નવી દિલ્હીઃ લદાખમાં ભારત અને ચીનની સેનાઓ કેટલાક વિવાદિત સ્થળે આમને-સામને આવી ગઈ હતી. ભારત - ચીને તેના હજારો સૈનિકો, ટેન્કો, તોપો અને યુદ્ધવિમાનોનો કાફલો ખડકી દીધો હતો. ભારતને તાજેતરમાં જ ફ્રાન્સ પાસેથી મળેલા પાંચ રાફેલ યુદ્ધવિમાનોએ હિમાલયના પહાડી વિસ્તારોમાં ૧૦મી ઓગસ્ટે યુદ્ધાભ્યાસ કર્યો હતો. ચીન જો કોઇ અડપલું કરે તો તેને પાઠ ભણાવવા ભારતે રાફેલને સજ્જ રાખ્યા છે.
ઈન્ડિયન એરફોર્સના બહાદુર અને કુશળ પાઇલટ્સ દ્વારા સરહદે ચીનની સેના પર રાતે કેવી રીતે હુમલો કરવો તેનું રિહર્સલ યુદ્ધાભ્યાસમાં થયું હતું. સંભવિત યુદ્ધ સમયે LAC પર સ્થિતિ બગડે તો એક્શન લેવાના આદેશ અપાયા હોવાના અહેવાલ છે. ઉલ્લેખનીય છે કે, ચીને એલએસી પર યુદ્ધ વિમાનો ખડક્યા બાદ ભારત પણ આ મોરચે સજ્જ થઈ ગયું છે.