નવી દિલ્હીઃ સિક્કિમ સરહદે ડોકાલા નજીક સરહદી વિવાદનાં સાત સપ્તાહ બાદ ભારત-ચીન વચ્ચે તણાવ ઘટવાના બદલે વધ્યો છે. ચીની સેના સરહદ પર જમાવડો કરી રહી હોવાના અહેવાલો બાદ ભારતીય સેનાએ વિવાદનાં સ્થળથી ૩૫ કિલોમીટરના અંતરે આવેલાં નાથાંગ ગામનાં સેંકડો લોકોને તાત્કાલિક ગામ ખાલી કરી જવાના આદેશ આપ્યા છે. જેના પરથી યુદ્ધના ભણકારા વાગી રહ્યા હોવાના સંકેત મળે છે.
નાથાંગ ગામનાં લોકોએ પણ આ વિસ્તારમાં સેનાની વ્યાપક ચહલપહલને સમર્થન આપ્યું છે. જોકે સેનાના કેટલાક અધિકારીઓએ આ હેરફેરને સપ્ટેમ્બરમાં યોજાતી ઓપરેશન એલર્ટ નામની વાર્ષિક કવાયતનું નામ આપ્યું છે, પરંતુ આ કવાયત એક મહિના પૂર્વે ઓગસ્ટમાં જ હાથ ધરાતાં યુદ્ધની શંકાઓ પ્રબળ બની રહી છે.
બીજી તરફ ચીની સેનાએ ડોકાલા ખાતેના એક કિલોમીટર વિસ્તારમાં ૮૦ ટેન્ટમાં ૮૦૦ જેટલાં સૈનિક તહેનાત કર્યાં હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે. જોકે આ વિસ્તારમાં અત્યારે ભારતનાં ૩૫૦ સૈનિક ૩૦ ટેન્ટમાં તૈનાત છે. ઉલ્લેખનીય છે કે ભારતે ભૂતાનને મદદ કરતાં ચીનને પેટમાં દુઃખ્યું છે.
છ ફૂટ ઊંચા જાટ સૈનિકો તૈનાત
સેનાએ ડોકલામમાં ચીની સેના સામે છ ફૂટ ઊંચા જાટ રેજિમેન્ટના જવાનો તૈનાત કર્યા છે. આ જાટ જવાનો ચીનની ભાષાના જાણકાર છે. ચીની સૈનિકો સામે તેમની ઊંચાઇ ઘણી મહત્ત્વની સાબિત થઇ શકે છે.
ચીનની પીછેહઠ
મીડિયા અહેવાલ પ્રમાણે ચીની સેના ડોકલામમાં ૧૦૦ મીટર પાછળ ખસવા સંમત થઈ છે. જોકે ભારતે સ્પષ્ટ જણાવી દીધું હોવાનું મનાય છે કે, ચીની સેના ૨૫૦ મીટર પાછી ખસી જાય પછી જ આ મુદ્દા પર મંત્રણા થઇ શકે છે. યુદ્ધનાં પડઘમ વચ્ચે આ અહેવાલોએ બંને દેશો વચ્ચે મંત્રણાની આશા જગાવી છે.
ડોકલામ માત્ર અમારુંઃ ભૂતાન
ભૂતાને ૧૦ ઓગસ્ટે ચીનને સ્પષ્ટ સંદેશો પાઠવી દીધો છે કે ડોકલામ પર અમારો અધિકાર છે. ચીની રાજદ્વારી વાંગ વેનલીએ જણાવ્યું હતું કે ભૂતાને બૈજિંગને રાજદ્વારી ચેનલો દ્વારા જણાવ્યું છે કે, વિવાદિત પ્રદેશ ચીનનો નથી. ભૂતાનનાં સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું કે, ડોકલામના સરહદી વિવાદ પર અમારું વલણ ઘણું સ્પષ્ટ છે. ચીને ભૂતાનના પ્રદેશમાં સડકનિર્માણનું કામ હાથ ધરીને બંને દેશ વચ્ચે ૧૯૮૮ અને ૧૯૯૮માં થયેલા કરારોનું ઉલ્લંઘન કર્યું છે.
ભારત સરકારના સૂત્રોએ કહ્યું હતું કે, આ મુદ્દે અમારો દૃષ્ટિકોણ તદ્દન સ્પષ્ટ છે. ૨૯ જૂન ૨૦૧૭એ ભૂતાનના વિદેશ મંત્રાલયની વેબસાઇટ પર પ્રકાશિત નિવેદનથી તમે સમજી શકો છો. જૂનમાં આ વિવાદની શરૂઆત ભૂતાનની પ્રેસ રિલિઝથી થઈ હતી, જેમાં લખ્યું હતું કે ડોકલામમાં માર્ગ નિર્માણ બન્ને દેશો વચ્ચે સરહદો સંબંધિત સમજૂતીનું ઉલ્લંઘન છે. બન્ને દેશો વચ્ચે ૧૯૮૮ અને ૧૯૯૮માં લેખિત સમજૂતી થઈ છે. બન્ને દેશ સરહદે અંતિમ સમજૂતી ના થાય ત્યાં સુધી શાંતિ જાળવવા માટે સહમત હતા.