નવી દિલ્હીઃ ભારતે પોતાની આધુનિક ક્રૂઝ મિસાઈલ બ્રાહ્મોસનું વેચાણ કરવાનું નક્કી કરી લીધું છે. છેલ્લા પાંચ વર્ષથી બ્રાહ્મોસ ખરીદવા માટે તત્પર બનેલા વિયેતનામને જ આ મિસાઈલ સિસ્ટમ વેચીને ભારત સંરક્ષણ ક્ષેત્રે મહત્ત્વનું પગલું ભરવા જઈ રહ્યો છે. હાલમાં વિયેતમાન ઉપરાંત દક્ષિણ આફ્રિકા, બ્રાઝિલ, ઈન્ડોનેશિયા અને ચીલી જેવા અન્ય પંદર દેશો આ મિસાઈલ સિસ્ટમ ખરીદવા માટે રાહ જોઈ રહ્યા છે. ચીનની વધતી લશ્કરી તાકાત સામે ભારતનું આ પગલું ખરેખર ટક્કર સમાન રહેશે. ચીની ડ્રેગન ભારતના આ પગલાંથી રોષે ભરાશે તે પણ સ્વાભાવિક છે. ભારતીય વડા પ્રધાને કોઈપણ ચિંતા કર્યા વગર સંરક્ષણ ક્ષેત્રમાં ફેરફાર લાવવા અને બ્રાહ્મોસ એરો સ્પેસ ઉત્પાદનમાં ઝડપ લાવવાના આદેશ આપી દીધાં છે.
૧૫ દેશો આ મિસાઇલ ખરીદવા તૈયાર
સંરક્ષણ ક્ષેત્ર સાથે સંકળાયેલા તજજ્ઞો માને છે કે, ભારત દ્વારા લેવાયેલું આ પગલું મહત્ત્વનું સાબિત થશે. ભારત દ્વારા બ્રાહ્મોસ વેચવાની કવાયતની મોટા પરિવર્તન તરીકે નોંધ લેવાશે. સંરક્ષણ ક્ષેત્રે હથિયારોના સૌથી મોટો આયાતકાર દેશ તરીકેની છાપ ધરાવતો ભારત આ રીતે પોતાની મિસાઈલ ટેક્નોલોજી વેચશે તે વિશ્વમાં મોટા ફેરફારને આમંત્રણ આપશે. ભારતે હથિયારો આયાત કરવાની અને વિદેશી હુંડિયામણ વધારવાની જે કવાયત હાથ ધરી છે તે નોંધનીય છે. ચીન દ્વારા અનેક વખત બ્રાહ્મોસને અયોગ્ય જણાવવામાં આવી છે જેના કારણે ભારતના અન્ય દેશો સાથેના સોદા ઘોંચમાં પડયા હતા. ભારતે હવે ચીનની નારાજગી કે આડોડાઈની દરકાર રાખ્યા વગર સોદા કરવાનું નક્કી કર્યું છે.
વિયેતનામને બ્રાહ્મોસથી સજ્જ યુદ્ધ જહાજ વેચાશે
સૂત્રોના જણાવ્યા પ્રમાણે ભારતે વિયેતનામને માત્ર બ્રાહ્મોસ મિસાઈલ કે સિસ્ટમ જ નહીં, તેનાથી સજ્જ યુદ્ધ જહાજો વેચવાનું નક્કી કર્યું છે. ભારત પાસે આઠથી સોળ બ્રાહ્મોસ લઈ જાય તેવા મોટા જહાજો છે અને બેથી ચાર મિસાઈલ લઈ જાય તેવા નાના જહાજો પણ છે. ભારતે હવે આ સિસ્ટમ સાથેના જહાજ વિયેતનામને વેચવાનું નક્કી કર્યું છે.