નવી દિલ્હીઃ ભારત તટસ્થ નથી, પણ શાંતિનું સમર્થક છે... યૂક્રેન પ્રવાસ વેળા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહેલા આ શબ્દોએ દુનિયામાં ચર્ચા જગાવી છે. ભારતીય વડાપ્રધાનના યૂક્રેન પ્રવાસ મુદ્દે રાજદ્વારી વિશ્લેષકો બે ભાગમાં વહેંચાયા છે. એક વર્ગના મોદીનો યૂક્રેન પ્રવાસ પશ્ચિમી દેશોને શાંત પાડવાનો પ્રયાસ છે કેમ કે તેમણે મોદીના રશિયા પ્રવાસની ટીકા કરી હતી. જ્યારે બીજા વર્ગના મતે ભારતે જે પ્રકારે સંતુલિત વિદેશ નીતિ અપનાવી છે તે જોતાં આશા છે કે રશિયા-યૂક્રેન વચ્ચેના શાંતિપ્રયાસમાં ભારત સક્રિય ભૂમિકા ભજવી શકે છે. મોદી પોલેન્ડથી યુદ્ધગ્રસ્ત યૂક્રેન પહોંચ્યા હતા અને યુવા પ્રમુખ વોલોદિમીર ઝેલેન્સ્કીને ઉષ્માભેર ભેટીને અભિવાદન કર્યું હતું. રશિયા પ્રવાસ અને પ્રમુખ પુતિન સાથેની મુલાકાતના 44 દિવસ બાદ જ મોદી યૂક્રેન પહોંચ્યા હોવાથી મનાય છે કે તેઓ બન્ને દેશો વચ્ચે સુલેહ સ્થપાય તે માટે કોઇ વિચાર લઇને ગયા હતા. (વિશેષ અહેવાલ પાન - 16)