નવી દિલ્હી: ચીન ક્યારેક સાઉથ ચાઇના સી પર દાવો ઠોકે છે તો ક્યારેક તાઇવાન મુદ્દે બીજા દેશો સાથે ઝઘડે છે. ભારત-ચીન સંબંધો લાંબા સમયથી વણસેલા છે, પણ હવે કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર તાઇવાન મુદ્દે ચીનને મોટો ઝાટકો આપવાની તૈયારીમાં છે. ભારત ચીનની ઐસીતૈસી કરીને તાઇવાન સાથે નિકટતા વધારી રહ્યું છે અને ભારત ત્યાં એક લાખ વર્કર્સ મોકલી રહ્યું છે. ભારતના આ નિર્ણયથી ચીન નારાજ થાય તેવી પૂરી શક્યતા છે પણ ભારતને તેની નારાજગીની જરાય પરવા નથી. અધિકારીઓએ ઓળખ ગુપ્ત રાખવાની શરતે જણાવ્યું કે તાઇવાન કારખાના, ખેતરો અને હોસ્પિટલોમાં કામ કરવા એક લાખથી વધુ ભારતીયોને કામ પર રાખી શકે છે. બંને દેશો વચ્ચે ટૂંક સમયમાં રોજગાર ગતિશીલતા કરાર પર સહીસિક્કા થઇ શકે છે. નોંધનીય છે કે તાઇવાનમાં વૃદ્ધોની સંખ્યા વધી રહી હોવાના કારણે તેને શ્રમિકો મેળવવામાં તકલીફ પડી રહી છે.