ભારત તાકાતથી બધું કબજે કરવા માગે છે: નેપાળના વડા પ્રધાન

Thursday 28th May 2020 06:32 EDT
 
 

કાઠમંડુઃ નેપાળના વડા પ્રધાન કે.પી. ઓલી શર્માએ ભારત સામે આક્રમક અભિગમ અપનાવ્યો છે. તેમણે સંસદમાં ચર્ચા દરમિયાન ભારતને ટોણો મારતા જણાવ્યું કે, ભારત સત્યમેવ જયતે નહીં, સિંહમેવ જયતેમાં માને છે. તે પોતાની તાકાતના જોરે બધું કબજે કરવા માગે છે. ભારત સાથેની મિત્રતા મજબૂત કરવા માટે ઐતિહાસિક ગેરસમજોને દૂર કરવી જરૂરી છે. ચીનની જેમ હવે નેપાળે પણ પોતાની સ્થિતિ સ્પષ્ટ કરી દીધી છે. કાલાપાની, લિપુલેખ અને લિપિંયાધુરા નેપાળના વિસ્તારો છે અને તેને પરત લેવા તેઓ ગમે તે કરશે.
બીજી તરફ ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઝાઓ લિઝિઆને જણાવ્યું કે, કાલાપાની સીમા વિવાદ ભારત અને નેપાળની આંતરિક બાબત છે અને અમને આશા છે કે બંને દેશો એકતરફી વલણ દાખવવાનું છોડીને મંત્રી સ્તરે તેનો ઉકેલ લાવે.
નેપાળના નાણા પ્રધાન યુબરાજ ખાટીવાડાએ નવો નકશો જારી કર્યો હતો. તેમણે જણાવ્યું કે, સરકાર દ્વારા નવા નકશામાં કેટલીક બાબતો અપડેટ કરાઇ છે. નકશાને મંત્રીપરિષદની બેઠકમાં રજૂ કરી મંજૂરી આપી દેવાઈ છે. નવા નકશાનો ઉપયોગ તમામ સરકારી દસ્તાવેજો, દેશના પ્રતીકો અને ચિન્હોમાં ઉપયોગ કરાશે. શાળા-કોલેજોના અભ્યાસક્રમમાં પણ નવા નકશાને જ સ્થાન પાશે. નાગરિકોએ પણ નવા નકશાનો ઉપયોગ કરવાનો રહેશે.

ચીનના ઇશારે નવો નક્શો

નેપાળે ચીનના ઈશારે ભારતના લિપુલેખ અને કાલાપાની ઉપર દાવો માંડયો છે. નેપાળે નવો રાજકીય નકશો જાહેર કરીને ભારતના આ સ્થળો એ નકશામાં નેપાળનો હિસ્સો હોય એ રીતે દર્શાવ્યા છે. નેપાળે વળી એ માટે ૧૮૧૬ના કરારનો ઉલ્લેખ કર્યો છે. ૧૮૧૬માં નેપાળ સરકાર અને અંગ્રેજો વચ્ચે જે કરાર થયો હતો એને ટાંકીને નેપાળે ભારતના આ સ્થળો ઉપર દાવો કર્યો છે.

નેપાળનો દાવો ખોટો, નકશો મનઘડંતઃ ભારત

ભારતના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું હતું કે નેપાળ મનઘડંત નકશો જાહેર કરીને જૂઠા દાવા ન કરે. ભારતને નેપાળનો આ નકશો બિલકુલ માન્ય નથી. બીજાના ઈશારે નેપાળ આવા પગલાં ન ભરે. નેપાળ બહુ સારી રીતે જાણે છે કે ભારતનું એ બાબતે સ્પષ્ટ વલણ શું છે. છતાં જો આવું પગલું ભરશે તો તેનું પરિણામ યોગ્ય નહીં હોય. આ નકશાથી ભારત અને નેપાળ વચ્ચે થયેલી સંધિનો ભંગ થયો છે.
ભારતના વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે, લિપુલેખ માર્ગ પહેલેથી ભારતની સરહદમાં આવે છે. આ રસ્તે પહેલાં પણ માનસરોવર યાત્રા થતી હતી. તાજેતરમાં ભારતે અહીંયા માત્ર રસ્તો બનાવવાનું કામ કર્યું છે, જેથી યાત્રીઓ, વ્યાપારીઓ અને સ્થાનિકોને આવન-જાવનમાં સરળતા રહે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter