નવી દિલ્હીઃ ભારત સરકારે ઊંડા મનોમંથન બાદ તાલિબાન સાથે મંત્રણાના દ્વાર ખોલ્યા છે. ભારતીય વિદેશ મંત્રાલયે અફઘાનિસ્તાનમાં શાસનધૂરા સંભાળવાની તૈયારી કરી રહેલા તાલિબાનના પ્રતિનિધિ સાથે મુલાકાત યોજ્યાની સત્તાવાર જાહેરાત કરી છે. આ મુલાકાત કતારની રાજધાની દોહામાં ‘તાલિબાનના અનુરોધથી યોજાઇ હતી.’
વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર આ મુલાકાતમાં ભારત સરકારે અફઘાનિસ્તાનમાં ફસાયેલા ભારતીય નાગરિકો સુરક્ષિત અને જલ્દી વતન ફરે તેની સાથે સાથે આતંકવાદ મુદ્દે ચિંતા વ્યક્ત કરી હતી. તાલિબાનના પ્રતિનિધિએ ભરોસો આપ્યો છે કે ભારતની ચિંતાઓનું સંતોષજનક નિરાકરણ લાવવામાં આવશે. જોકે તાલિબાનનો ભૂતકાળનો અનુભવ જોતાં આ શબ્દો કેટલા વિશ્વસનીય છે એ તો સમય જ કહેશે.
નિવેદનમાં જણાવાયા પ્રમાણે કતારમાં ભારતના રાજદૂત દીપક મિત્તલે તાલિબાનના રાજદ્વારી કાર્યાલયના વડા શેર મોહમ્મદ અબ્બાસ સ્ટાનિકઝઇ સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાત માટે તાલિબાન તરફથી અનુરોધ કરાયો હતો.
સ્ટાનિકઝઇનો ભારત સાથેનો નાતો
ઉલ્લેખનીય છે કે સ્ટાનિકઝઇનો ભારત સાથે જૂનો સંબંધ છે. સ્ટાનિકઝઇ ૧૯૮૦ના દાયકામાં ભારતમાં રહેતા હતા અને તે દહેરાદૂનની મિલિટરી એકેડેમીમાં તાલીમ લઇ ચૂક્યા છે. તે અફઘાન સૈન્યમાં જ ફરજ બજાવતા હતા, પરંતુ બાદમાં તેઓ અફઘાનિસ્તાન સૈન્યનો સાથ છોડીને તાલિબાનના પક્ષે જતા રહ્યા હતા. દોહામાં અમેરિકા અને તાલિબાન વચ્ચે થયેલી વાતચીતમાં નિર્ણાયક ભૂમિકા ભજવનાર શેર મોહમ્મદ સ્ટાનિકઝઇએ તાજેતરમાં જ ભારત સાથે ‘મિત્રતાપૂર્ણ’ સંબંધની ઇચ્છા વ્યક્ત કરતું જાહેર નિવેદન કર્યું હતું.
ભારત સાથે મજબૂત સંબંધની ઇચ્છાઃ તાલિબાન
લગભગ આખા અફઘાનિસ્તાન પર કબજો કરી ચૂકેલા તાલિબાને ભારત સાથે સહકાર વધારવાની ઇચ્છા ગયા સપ્તાહે જ વ્યક્ત કરી હતી. શેર મોહમ્મદ અબ્બાસ સ્ટાનિકઝઇએ કહ્યું હતું કે કે તાલિબાન ભારત સાથે રાજકીય, આર્થિક, અને સાંસ્કૃતિક સંબંધ ઘનિષ્ઠ બનાવવા ઇચ્છે છે. સ્ટાનિકઝઇએ આ વાત સોશિયલ મીડિયામાં એક વીડિયોના માધ્યમથી કહી છે. દેશ પર કબજા પછી ભારતને લઇને તાલિબાન સાથે કોઇ વરિષ્ઠ નેતાનું પહેલું નિવેદન હતું.
૪૬ મિનિટના આ વીડિયોમાં સ્ટાનિકઝઇ પશ્તો ભાષામાં બોલે છે. આ દરમિયાન તેમણે અફઘાનિસ્તાન માટે ભારત સિવાયના મહત્વના પડોશીઓ પાકિસ્તાન, રશિયા અને ચીનનો પણ ઉલ્લેખ કર્યો છે. સ્ટાનિકઝઇએ કહ્યું કે ભારત આ મહાદ્વીપમાં અત્યંત મહત્વનું રાષ્ટ્ર છે. અગાઉ અમારા અને હિન્દુસ્તાનના સંબંધ મજબૂત હતા, જે અમે આગળ વધારવા ઇચ્છીએ છીએ. અમે ઇચ્છીએ છીએ કે હવાઇ માર્ગ અને વેપારી માર્ગો ખૂલે. જોકે, તેમણે એમ નહોતું કહ્યું કે, ભારત સાથે વેપાર દ્વિપક્ષીય હોવો જોઇએ. આ પહેલા તાલિબાન પ્રવક્તા સુહૈલ શાહીને પણ ભારત સાથે સંબંધને લઇને પોતાનું વલણ જાહેર કર્યું હતું.
આ પછી ભારતનું વલણ બદલાયું...
ભારતીય રાજદૂત દીપક મિત્તલ અને સ્ટાનિકઝઇની મુલાકાત આ નિવેદન બાદ જ યોજાઇ છે. આ પૂર્વે, વીતેલા સપ્તાહે અફઘાનિસ્તાનના મુદ્દે નવી દિલ્હીમાં સર્વપક્ષીય બેઠક યોજાઇ હતી. તે સમયે વિદેશ પ્રધાન એસ. જયશંકરે તાલિબાન સાથેના સંબંધો અંગે કહ્યું હતુંઃ વેઇટ એન્ડ વોચ. થોભો અને રાહ જૂઓ.
જોકે ગયા ગુરુવારે યોજાયેલી આ બેઠક બાદ પરિસ્થિતિ ઝડપભેર બદલાતી રહી છે. અફઘાનિસ્તાનમાંથી અમેરિકા તેમજ અન્ય દેશોના લશ્કરી દળો રવાના થઇ ગયા છે અને કાબુલ તાલિબાનના નિયંત્રણમાં આવી ગયું છે. તાલિબાનો સરકાર રચવા માટે પ્રયત્નશીલ છે અને જણાવી ચૂક્યા છે કે સરકારમાં સહુ કોઇનું પ્રતિનિધિત્વ હશે. આ માટે અલગ અલગ રાજકીય પક્ષો સાથે ચર્ચા ચાલી રહી છે.
વિદેશ મંત્રાલય દ્વારા જારી નિવેદનમાં જણાવાયું છે કે આજે કતારમાં ભારતના રાજદૂત દીપક મિત્તલે તાલિબાનના દોહા સ્થિત રાજદ્વારી પ્રતિનિધિ સ્ટાનિક સાથે બેઠક યોજાઇ હતી. મંત્રણાના કેન્દ્રસ્થાને અફઘાનિસ્તાનમાં ફસાયેલા ભારતીયોને સુરક્ષિત અને જલ્દી વતન મોકલવાનો મુદ્દો હતો.
ભારતની ચિંતા
વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે ભારતીય રાજદૂત મિત્તલે ‘આતંકવાદ’ સાથે સંકળાયેલી ચિંતા પણ બેઠકમાં રજૂ કરી હતી અને કહ્યું હતું કે ‘અફઘાનિસ્તાનની જમીનનો ઉપયોગ ભારતવિરોધી કોઇ પણ પ્રવૃત્તિ કે આતંકવાદ માટે થવો જોઇએ નહીં.’ ભારતની આ ચિંતાના જવાબમાં તાલિબાને જણાવ્યું હતું કે ભારતીય રાજદૂતે જે મુદ્દા ઉઠાવ્યા છે તેનો સકારાત્મક અમલ થશે.
આ પૂર્વે ભારત અને તાલિબાન વચ્ચે પરદા પાછળ મંત્રણાનો દોર ચાલતો હોવાની અટકળો થતી હતી. જોકે ભારત સરકારે ક્યારેય આવી કોઇ વાતચીત મામલે જાણકારી આપી નથી.
તાલિબાને કાબુલ પર કબ્જો જમાવ્યો તે પૂર્વે અફઘાનિસ્તાનની શાસનધૂરા સંભાળતી ગની સરકાર સાથે ભારત સરકારના ઘનિષ્ઠ સંબંધ હતા. તાલિબાનના પ્રતિનિધિઓ અફઘાનિસ્તાન પર કબજો કરવાના પ્રયાસ દરમિયાન ભારતના બીજા પડોશી દેશો રશિયા, ચીન અને પાકિસ્તાન સાથે મંત્રણાનો દોર ચલાવી રહ્યા હતા, પરંતુ ભારત સાથે તેમણે આવી કોઇ બેઠક માટે પ્રયાસ કર્યો નહોતો.
કાબુલ પર તાલિબાને પ્રભુત્વ જમાવ્યું તેના ચાર દિવસ પૂર્વે ૧૧ ઓગસ્ટે અફઘાનિસ્તાન મુદ્દે રશિયા, ચીન, પાકિસ્તાન અને અમેરિકાના પ્રતિનિધિ કતારની રાજધાની દોહામાં મળ્યા હતા. ભારતને આ મંત્રણા માટે આમંત્રણ અપાયું નહોતું. અને આ વાત અફઘાનિસ્તાનમાં રાષ્ટ્રપતિ પુતિનના વિશેષ દૂત જામીર કાબુલોવના નિવેદનથી પણ સ્પષ્ટ થઇ હતી. ૨૦મી જુલાઇએ રશિયન સમાચાર એજન્સી તાસને જામિલ કાબુલોવને ટાંકીને એક રિપોર્ટમાં જણાવ્યું હતું કે ભારત આ મંત્રણામાં સામેલ ન થઇ શક્યું તેનું કારણ એ હતું કે તાલિબાન પર તેનો કોઇ પ્રભાવ નથી.
નવનિર્માણમાં ભારતનું અમૂલ્ય યોગદાન
જોકે હકીકત એ છે કે અફઘાનિસ્તાનના નવનિર્માણમાં ભારતે બહુ મહત્ત્વની ભૂમિકા ભજવી છે. ૨૦૨૦ના નવેમ્બરમાં જ ભારતે અફઘાનિસ્તાનમાં ૧૫૦ નવી યોજનાઓની જાહેરાત કરી હતી. આ પૂર્વે ૨૦૧૫માં ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અફઘાનિસ્તાનની સંસદની નવી ઇમારતનું ઉદ્ઘાટન કર્યું હતું. આ ભવન પણ ભારતના સહયોગથી સાકાર થયું છે. આ પછીના વર્ષે અફઘાનિસ્તાનના હેરાત પ્રાંતમાં ૪૨ મેગાવોટના વીજળી અને સિંચાઇ પ્રોજેક્ટનું વડા પ્રધાન મોદી અને અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ અશરફ ગનીએ સાથે મળીને લોકાર્પણ કર્યું હતું.
કેટલીય યોજનાઓ એવી છે કે જે ભારતે શરૂ કરી છે અને તે જ સંચાલન કરી રહ્યું છે. ભારતના સંરક્ષણ મંત્રાલય હેઠળ કામ કરતા બોર્ડર રોડ્સ ઓર્ગેનાઇઝેશન (બીઆરઓ)એ પણ અફઘાનિસ્તાનમાં મહત્ત્વપૂર્ણ માર્ગો બનાવવાનું કામ કર્યું છે. અફઘાનિસ્તાનના લશ્કર, પોલીસ અને લોકસેવા સાથે જોડાયેલા અધિકારીઓને ભારતમાં શિક્ષણ-તાલીમ મળ્યા છે.