નવી દિલ્હીઃ નેપાળ અને ભારત વચ્ચે સરહદને લઇને વિવાદો ચાલી રહ્યા છે. આ સ્થિતિ વચ્ચે નેપાળના વડા પ્રધાન ભારતની મુલાકાતે આવ્યા છે. તેઓએ વડા પ્રધાન મોદી સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાત દરમિયાન ભારત અને નેપાળ વચ્ચે કેટલાક કરારો પણ થયા હતા. જેમાં ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન (આઇઓસીએલ) અને નેપાળ ઓઇલ કોર્પોરેશન વચ્ચે ઓઇલને લઇને કરારો થયા હતા.
બેઠક દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નેપાળના વડા પ્રધાન સાથે સંયુક્ત રીતે નેપાળમાં ભારતીય પેમેન્ટ સર્વિસ સિસ્ટમ રૂપેને લોન્ચ કર્યું હતું. આ સાથે જ બન્ને દેશો વચ્ચે ક્રોસ બોર્ડર ટ્રેન સેવાને પણ લીલી ઝંડી આપવામાં આવી હતી. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જોઇન્ટ સ્ટેટમેન્ટમાં કહ્યું હતું કે નેપાળની શાંતિ, સમૃદ્ધિ અને વિકાસની યાત્રામાં ભારત એક મિત્ર દેશ રહ્યો છે અને હંમેશા રહેશે.
પીએમ મોદીએ કહ્યું હતું કે નેપાળના વડા પ્રધાન દેઉબાજી ભારતના જૂના મિત્ર છે. વડા પ્રધાન તરીકે તેઓની આ ભારતની પાંચમી મુલાકાત છે. તેઓએ ભારત-નેપાળ સંબંધોને વિકસિત કરવામાં મહત્વની ભૂમિકા નિભાવી છે. ભારત અને નેપાળ વચ્ચે દોસ્તી છે અને આવુ દુનિયાના અન્ય દેશોમાં ક્યાંય નથી જોવા મળી રહ્યું. નેપાળ પાસેથી વિજળી આયાત કરવાના અનેક પ્રસ્તાવોને મંજૂરી આપવામાં આવી રહી છે.