કાઠમંડુઃ થોડાક દિવસ પહેલાં જ ભારત સરકારે આગામી એક દાયકા દરમિયાન નેપાળ પાસેથી 10,000 મેગાવોટ વીજળી ખરીદવાનો નિર્ણય કર્યો હતો. આ ઉપરાંત ભારતના સતલજ હાઇડ્રોપાવર કોર્પોરેશનના 900 મેગાવોટના અરુણ-3 અને 490 મેગાવોટના અરુણ-4 હાઇડ્રો પ્રોજેક્ટ વિકસિત કરવાની પણ સરકારે તૈયારી કરી છે. ભારત અને નેપાળની ઉર્જા સહયોગની મોટી યોજનાઓથી ચીનના પેટમાં તેલ રેડાયું છે.
નેપાળ ખાતેના ચીનના રાજદૂત ચેંગ સોંદે આ મુદ્દે ટિપ્પણી કરતાં કહ્યું છે કે નેપાળ પાસે પોતાના માટે વીજ પુરવઠો ઓછો હોવા છતાં તે ભારતને વીજળીની નિકાસ કરવા તૈયાર છે જે યોગ્ય નથી. ઉલ્લેખનીય છે કે નેપાળના વડાપ્રધાન પુષ્પ દહલ કમલ પ્રચંડ હાલ ન્યૂ યોર્ક પહોંચ્યા છે. જ્યાં તેઓ યુએન જનરલ એસેમ્બલીના 78મા સત્રને સંબોધન કરશે. ત્યારબાદ અમેરિકાથી 22મી સપ્ટેમ્બરે સીધા ચીન જઇ રહ્યા છે. તેમની આ યાત્રામાં ચીનના સૌથી મોટા એજન્ડા તરીકે નેપાળને બિલ્ટ એન્ડ રોડ ઇનિશિએટિવ (બીઆરઆઇ) એગ્રીમેન્ટ પર હસ્તાક્ષર કરવાને જોવામાં આવે છે.
ચીનની મોંઘી લોનની જરૂર નથીઃ નેપાળી પ્રજા
નેપાળમાં પ્રચંડની પાર્ટી સીપીએમના સૂત્રોનું કહેવું છે કે સરકાર ૫૨ દબાણ સતત વધી રહ્યું છે. ચીન સાથે બીઆરઆઇ પ્રોજેક્ટ પર આગળ ન વધવા પ્રજાનું દબાણ છે. શ્રીલંકા અને આફ્રિકી દેશની સ્થિતિ જોતાં નેપાળમાં ચીનની લોનને લઇને લાંબા સમયથી અવિશ્વાસ પ્રવર્તે છે. નેપાળના સિવિલ સોસાયટીના પ્રતિનિધિઓનું કહેવું છે કે જ્યારે વર્લ્ડ બેન્ક અને એડીબી લોન મળે છે ત્યારે ચીનની મોંઘી લોન લેવાની કોઇ જરૂર નથી.