ઇસ્લામાબાઃ પાકિસ્તાનના નવનિયુક્ત વડા પ્રધાન અને તેહરીક-એ-ઇન્સાફ પાર્ટીના વડા ઇમરાન ખાને અટલ બિહારી વાજપેયીને શ્રદ્ધાંજલિ આપતાં જણાવ્યું હતું કે, ભારત અને પાકિસ્તાન વચ્ચે શાંતિની સ્થાપના કરવી એ જ વાજપેયીને સાચી શ્રદ્ધાંજલિનો શ્રેષ્ઠ માર્ગ છે. એક નિવેદનમાં તેમણે જણાવ્યું હતું કે, ભારતીય ઉપખંડમાં અટલ બિહારી વાજપેયી સન્માનનીય રાજકીય નેતા હતા. ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધો સુધારવા માટે તેમણે કરેલા પ્રયાસ હંમેશાં યાદ રખાશે. વિદેશ પ્રધાન તરીકે વાજપેયીએ ભારત અને પાકિસ્તાન વચ્ચે સંબંધો સુધારવાની જવાબદારી ઉઠાવી હતી. વડા પ્રધાનપદે નિયુક્તિ બાદ વાજપેયીએ ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધો સુધારવા ઘણાં પગલાં લીધાં હતાં. ભારત અને પાકિસ્તાન વચ્ચે રાજકીય મતભેદો હોઈ શકે છે, પરંતુ સરહદો શાંતિ ઇચ્છી રહી છે. બંને દેશો વચ્ચે શાંતિની સ્થાપના જ વાજપેયીના વારસાને સાચું સન્માન અપાવી શકશે.
વાજપેયી શાંતિદૂતઃ પાક. મીડિયા
પાકિસ્તાની મીડિયાએ અટલજીને ભાવભરી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. દેશનાં અગ્રણી અંગ્રેજી અખબાર ધ ડોને વાજપેયીને પાકિસ્તાન સાથેની મંત્રણાના શાંતિદૂત ગણાવ્યા હતા. ધ ટ્રિબ્યૂન અખબારે પહેલા પાના પર વાજપેયીની સ્મિત સાથેની તસવીર પ્રસિદ્ધ કરી હતી. પાકિસ્તાનમાં ટ્વિટર પર પણ અટલ બિહારી વાજપેયીનું નિધન ટ્રેન્ડમાં રહ્યું હતું, પાકિસ્તાનના ટ્વિટરાતીએ વાજપેયીનાં નિધન પર દુઃખ વ્યક્ત કરતાં શ્રદ્ધાંજલિ આપી હતી.
------------------------------------