નવી દિલ્હી: ભારત અને પાકિસ્તાન એકસાથે સૈન્ય અભ્યાસ કરવા જઈ રહ્યાં છે. આ સૈન્ય અભ્યાસ શાંઘાઈ સહયોગ સંગઠન (એસસીઓ) હેઠળ ચાલુ વર્ષે સપ્ટેમ્બર મહિનામાં રશિયામાં યોજાશે તેવું જાહેર કરવામાં આવ્યું છે. તેમાં ભારત, પાકિસ્તાન અને ચીન સાથે સંગઠનના પાંચ અન્ય સભ્ય દેશ પણ સામેલ થશે. એસસીઓ ચીનના વર્ચસ્વ હેઠળનું સંગઠન છે જેને હવે નાટોની તુલના કરી શકે તેવા સંગઠન તરીકે જોવાઈ રહ્યું છે. અધિકારીઓએ જણાવ્યું કે આ અભ્યાસ રશિયાના યુરાલ પર્વતીય વિસ્તારમાં આયોજિત કરાશે.
શાંતિ મિશનના આ અભ્યાસનો મુખ્ય ઉદ્દેશ્ય સંગઠનના દેશો વચ્ચે આંતકવાદનો સામનો કરવા સહયોગ વધારવાનો છે. કેટલાય દેશોની સંરક્ષણ પ્રધાનોની બેઠકમાં સંરક્ષણ પ્રધાન નિર્મલા સીતારમણે ભારતના આ અભ્યાસમાં ભાગ લેવાની પુષ્ટી કરી હતી.