જીનિવાઃ યુએન હ્યુમન રાઈટ્સના વડા મિશેલ બેચલેટે કાશ્મીરી લોકોના માનવઅધિકારોનું સન્માન અને રક્ષણ થાય તેની કાળજી રાખવા ભારત અને પાકિસ્તાનને અપીલ કરી છે. જમ્મુ-કાશ્મીરને અપાયેલો ખાસ દરજ્જો પાછો ખેંચી લેવા મામલે હાલમાં બંને દેશોમાં સંબંધોમાં તંગદિલી છે ત્યારે તેમનું આ નિવેદન અતિ મહત્ત્વનું મનાય છે. બેચલેટે કહ્યું કે, તેમની ઓફિસને અંકુશ રેખાની બંને બાજુ માનવ અધિકારોની સ્થિતિ અંગેના અહેવાલો મળતાં રહે છે. કાશ્મીરીઓના માનવ અધિકારીઓ અંગે તાજેતરમાં ભારત સરકારે લીધેલા પગલાંની અસરથી હું અત્યંત ચિંતિત છું. તેણે ઈન્ટરનેટ વ્યવહાર અને લોકોને શાંતિથી એકત્ર થવા પર નિયંત્રણો લાદ્યાં છે.
આની સાથે જ સ્થાનિક નેતાઓ અને કાર્યકરોની અટકાયત પણ કરાઈ છે. હ્યુમન રાઈટ્સ કાઉન્સિલના ૪૨ સેશનના ઉદ્ધાટન પ્રવચનમાં જ મિશેલે ઉમેર્યું કે હું ભારત અને પાકિસ્તાની સરકારોને અપીલ કરું છું કે તેઓ માનવ અધિકારોનું સન્માન અને રક્ષણ થાય તેની કાળજી રાખે. હું ખાસ કરીને ભારત સરકારને વિનંતી કરું છું કે તે હાલના નિયંત્રણો અથવા કરફર્યુને હળવા કરે, જેથી લોકો મૂળ સેવાઓનો લાભ લઈ શકે. જે લોકોની અટકાયત કરાઈ છે તેમના અધિકારો જળવવા જોઈએ.