પેરિસઃ ફ્રાન્સની રાજધાની પેરિસમાં સોમવારે ક્લાઇમેટ કોન્ફરન્સના આરંભની સાથે સાથે ભારત-પાકિસ્તાન સંબંધોને લઇને ‘હવામાનમાં બદલાવ’ના પણ સંકેત મળ્યા છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને તેમના પાકિસ્તાની સમકક્ષ નવાઝ શરીફ પેરિસમાં ક્લાઇમેટ કોન્ફરન્સની સમાંતરે એકબીજાને મળ્યા હતા.
મોદી અને શરીફે કોન્ફરન્સ સેન્ટરની લોબીમાં એકબીજા સાથે હસ્તધૂનન કર્યું હતું અને ત્યાર બાદ બન્નેએ સોફા પર બેસીને થોડોક સમય વાતચીત કરી હતી. શરીફે તાજેતરમાં જ ભારત સાથે કોઇ પૂર્વશરતો વિના મંત્રણાની તૈયારી બતાવી હતી તેની પૃષ્ઠભૂમિમાં મોદી સાથેની તેમની આ મુલાકાત મહત્ત્વપૂર્ણ
મનાય છે.
બન્ને નેતાઓ આ અગાઉ છેલ્લે ગત ૧૦ જૂને રશિયાના ઉફામાં એકબીજાને મળ્યા હતા. ક્લાઇમેટ કોન્ફરન્સ દરમિયાન બન્ને વચ્ચે દ્વિપક્ષી બેઠક યોજાય તેવી પણ અટકળો થતી હતી. જોકે આવી કોઇ બેઠક યોજાયાના અહેવાલ નથી. દરમિયાન, પાકિસ્તાનની સરકારી ટીવી ચેનલ પીટીવીએ મોદી-શરીફ વચ્ચેની મુલાકાતને સાનુકૂળ માહોલમાં થયેલી મુલાકાત ગણાવી હતી. તેમ જ બેઠકને દ્વિપક્ષી સંબંધોમાં એક ‘હકારાત્મક સંકેત’ સમાન ગણાવી હતી.
ઉલ્લેખનીય છે કે રશિયાના ઉફામાં બંને નેતાઓ વચ્ચે યોજાયેલી મુલાકાતમાં પહેલીવાર મોદી અને શરીફ વચ્ચે થોડી ઉષ્મા જોવા મળી હતી. ઉફામાં શાંતિમંત્રણા શરૂ કરવા સહમતી બાદ પાકિસ્તાને ગયા ઓગસ્ટમાં દ્વિપક્ષીય મંત્રણા પૂર્વે કાશ્મીરી અલગતાવાદીઓ સાથે મુલાકાતની જીદ પકડી રાખતાં મંત્રણા રદ કરાઇ હતી. આ પછી સરહદ પર વારંવાર યુદ્ધવિરામનાં ઉલ્લંઘનને કારણે બંને દેશો વચ્ચેના સંબંધોમાં ઉગ્ર તણાવ જોવા મળ્યો હતો.
વૈશ્વિક સ્તરે આયોજિત કાર્યક્રમોમાં મોદી અને શરીફ વચ્ચે એકબીજાના અભિવાદનના પણ સંબંધો જોવા મળ્યાં નહોતા. પરંતુ પેરિસમાં સંબંધોનાં વાતાવરણમાં પલટો આવ્યો હોવાના સંકેતો મળ્યા છે. જોકે બંને વચ્ચે શું વાતચીત થઇ તે અંગે વધુ માહિતી પ્રાપ્ત થઇ નહોતી.