નવીદિલ્હીઃ અમેરિકાએ એક સમયના પોતાના કટ્ટર શત્રુ ઉત્તર કોરિયા સાથે મિત્રતા કર્યા બાદ હવે ચીન પણ આ માર્ગે આગળ વધી રહ્યું હોવાનું વર્તાય છે. અત્યાર સુધી અનેક પ્રસંગે પાકિસ્તાનને છાવરનારા ચીને હવે ભારત-પાકિસ્તાન વચ્ચે મિત્રતા કરાવવાનું બીડું ઝડપ્યું છે. ચીન તરફથી કહેવામાં આવ્યું છે કે, ચીન-ભારત-પાકિસ્તાનની ત્રિપક્ષીય સમીટનું આયોજન થવું જોઈએ.
ચીનના એંબેસેડરે કહ્યું હતું કે, તાજેતરમાં જ ભારત અને પાકિસ્તાન શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (એસસીઓ)નો ભાગ બન્યા છે. તેવામાં આ મંચ ભારત-પાકિસ્તાનને નજીક લાવવામાં મદદરૂપ થઈ શકે છે.
ભારત અને ચીનના સંબંધો પર ચીનના એંબેસેડર લૂ ઝેઓએએ કહ્યું છે કે, ભારત અને ચીન પાડોશી દેશો છે, માટે બંને દેશો વચ્ચે મિત્રતા હોવી જરૂરી છે. ભારતે ચીન સાથે મિત્રતાને લઈને ૧૦ વર્ષની એક સંધી કરવી જોઈએ. આના માટે નવી દિલ્હીને એક ડ્રાફ્ટ પણ સોંપવો જોઈએ. અમે વધુ એક ડોકલામ જેવી સ્થિતિ હવે જોવા નથી માંગતા.
ઉલ્લેખનીય છે કે, થોડ જ સમયમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બે વાર મુલાકત લીધી. પહેલા ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે ઈન્ફોર્મલ સમિટ અને બીજી એસસીઓ સમિટ દરમિયાન. આ મુલાકત બાદ ભારત-ચીનના સંબંધો પાટા પર પાછા ફરી રહ્યા હોવાનું જોવા મળે છે.
ચીનના ભારત ખાતેના એમ્બેસેડરે કહ્યું હતું કે, આ વર્ષે જ બેઈજિંગમાં બંને દેશો વચ્ચે બોર્ડરને લઈને વાતચીત થશે. બંને દેશોના વિદેશ પ્રધાનો પણ ટૂંક સમયમાં મુલાકાત યોજી શકે છે. આ ઉપરાંત સંરક્ષણ પ્રધાનોની પણ મુલાકાત યોજાશે.
તેમણે કહ્યું હતું કે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીની વિદેશ નીતિમાં શી જિનપિંગની નીતિઓની ઝલક જોવા મળે છે. આપણે બંને દેશો વચ્ચે લોકોનો સંબંધ, ઉચ્ચ સ્તરીય સંબંધોને પણ વિકસાવવા જોઈએ. તેમણે ભારતીય યાત્રીઓને કૈલાસ માનસરોવર યાત્રા દરમિયાન શક્ય તેટલી તમામ મદદ કરવાની પણ બાંહેધરી આપી હતી.
તેવી જ રીતે ચીને ભારત-પાકિસ્તાન વચ્ચે સમજુતી કરાવવાની પણ વકીલાત કરી છે. આ બબાતે ચીનના એંબેસેડરે કહ્યું છે કે, ચીન, ભારત અને પાકિસ્તાન એમ ત્રણેય દેશો વચ્ચે ત્રિપક્ષીય બેઠકનું આયોજન થવું જોઈએ.
ભારત-ચીનની મિત્રતા જરૂરીઃ ચીની એમ્બેસેડર
* આપણે બે પાડોશીઓ જે એકબીજાથી દૂર ના જઈ શકીએ.
* બોર્ડરને લઈને વિવાદ મિત્રતાથી જ દૂર થઈ શકે.
* કેટલીક શક્તિઓનો આપણે સામનો કરવાનો છે.
* ચીન પાસે બેસ્ટ હાર્ડવેર છે અને ભારત પાસે બેસ્ટ સોફ્ટવેર.