વોશિંગ્ટનઃ અમેરિકાના ટોચના દૈનિક ‘વોલસ્ટ્રીટ જર્નલ’ને આપેલી મુલાકાતમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સ્પષ્ટ જણાવ્યું હતું કે ભારત બધાનું ભલું ઇચ્છે છે, પણ આતંકવાદના મુદ્દે કોઇ બાંધછોડ કરવામાં આવશે નહીં. ભાજપ સરકારના બે વર્ષના કાર્યકાળ દરમિયાન કેવા લક્ષ્યાંકો પાર પાડી શકાયા અને કયા લક્ષ્યાંકો પાર પાડી શકાયા નથી એ મુદ્દે નરેન્દ્ર મોદીએ આ મુલાકાતમાં વિગતવાર જણાવ્યું હતું. તેમણે ગુડ્સ એન્ડ સર્વીસ ટેક્સ (જીએસટી) બિલથી લઈને વિદેશ નીતિ વિશે વિગતવાર જવાબો આપ્યા હતા.
વડા પ્રધાન મોદીએ આતંકવાદ વિશેની નીતિ વિશે કહ્યું હતું કે ભારત બધાનું ભલું ઇચ્છે છે. પાકિસ્તાન તરફ અંગૂલીનિર્દેશ કરતાં મોદીએ કહ્યું હતું કે ભારત પાડોશી રાષ્ટ્રોનું પણ સારું થાય એવી જ ઈચ્છા રાખે છે, પરંતુ આતંકવાદ મુદ્દે ભારત કોઈ જ બાંધછોડ ક્યારેય નહીં કરે. સરકારે બે વર્ષમાં કેટલાય મહત્ત્વના બિલો પાસ કર્યા નથી એ બાબતે મોદીએ કહ્યું હતું કે જીએસટી બિલ પસાર કરવા માટે સરકારે રાજ્યસભામાં બહુમતી થાય તેની રાહ જોવી પડશે. રાજ્યસભામાં બહુમતી થઈ જશે એ સાથે જ જીએસટી પસાર કરી દેવાશે. અર્થતંત્રમાં આમૂલ પરિવર્તન થાય એ માટેના આ પ્રયાસો છે અને આગામી વર્ષોમાં અર્થવ્યવસ્થાને દોડતું કરવા માટે વધુ કેટલાક નિર્ણયો લેવાશે.
તેમણે સાઉથ એશિયાના રાજદ્વારી સંબંધો વિશે કહ્યું હતું કે તેમની સરકારે સંબંધો વિશે કહ્યું હતું કે તેમની સરકારે હંમેશાં સાઉથ એશિયામાં શાંતિ બરકરાર રહે એની તરફેણ કરી છે. એના ભાગરૂપે જ શપથ સમારોહમાં ‘સાર્ક’ દેશોના વડાઓને આમંત્રિત કરાયા હતા. પાકિસ્તાનની અચાનક મુલાકાત પાછળ પણ આ જ કારણ જવાબદાર હોવાનું તેમણે કહ્યું હતું.
મોદીએ આતંકવાદને વૈશ્વિક સમસ્યા ગણાવીને કહ્યું હતું કે વિશ્વમાં જ્યાં પણ આતંકવાદ ફેલાયેલો છે, તેનો ભારતે વિરોધ નોંધાવ્યો છે અને આગળ પણ નોંધાવશે.
લશ્કરી બાબતોમાં ભારત આત્મનિર્ભર બનીને ઉત્પાદન વધારવા ઇચ્છે છે. અને તેમાંથી રોજગારી સર્જવાની ભારતની નેમ એમ કહીને તેમણે ઉમેર્યું હતું કે આગામી દિવસોમાં ભારત લશ્કરી નિકાસ વધારવાની દિશામાં મહત્ત્વના નિર્ણયો લશે.
આગામી મહિને વડા પ્રધાન અમેરિકાના પ્રવાસમાં જઇ રહ્યા છે અને અમેરિકન કોંગ્રેસને સંબોધવાના છે. આ મુદ્દે મોદીએ કહ્યું હતુ કે ભારતના વડા પ્રધાન તરીકે તેમના માટે આ સન્માનની વાત છે. તેમણે કહ્યું હતું કે કેન્દ્રમાં ભાજપની સરકાર આવી પછી વિદેશમાં ભારત એક આગવા રાષ્ટ્ર તરીકે ઉભરવા લાગ્યું છે.