ઈસ્લામાબાદ: પાકિસ્તાનમાં અવિશ્વાસ પ્રસ્તાવનો સામનો કરતાં પહેલાં જનતાને સંબોધન વખતે ભારતની પ્રશંસા કરનારા ઈમરાન ખાનને વિપક્ષે ભારત જતા રહેવાની સલાહ આપી છે. પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝ (પીએલએમ-એન)ના ઉપપ્રમુખ મરિયમ નવાઝે ઈમરાન ખાનને ભારત જતા રહેવાની ભલામણ કરી છે.
દેશને સંબોધન કરતી વખતે ઈમરાન ખાને કહ્યું હતું કે, દુનિયાના કોઈ પણ સુપરપાવર દેશની હિંમત નથી કે તે ભારતને કહે કે રશિયા અંગે તેની શું પોલિસી હોવી જોઈએ. એટલું જ નહીં ઈમરાન ખાને કહ્યું હતું કે ભારતની જનતા ખૂબ જ ખુદ્દાર છે. ઈમરાન ખાનના આ નિવેદન સામે વાંધો ઉઠાવતાં ભૂતપૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફની પુત્રી મરિયમ નવાઝ શરીફે ઈમરાન ખાનને આડે હાથ લીધા હતા. મરિયમ નવાઝ શરીફે ટ્વીટ કરીને જણાવ્યું કે, ખુરશી જતી જોઈને મગજ ગુમાવી રહેલી આ વ્યક્તિને કોઈ જણાવે કે તેમને તેમના જ પક્ષ દ્વારા હટાવાઈ રહ્યા છે. તમને ભારત એટલું જ પસંદ હોય તો તમારે પાકિસ્તાન છોડીને ભારત જતા રહેવું જોઈએ.
એટલું જ નહીં, મરિયમ નવાઝ શરીફે એમ પણ કહ્યું કે ભારતની પ્રશંસા કરનારી વ્યક્તિને એ પણ ખબર હોવી જોઈએ કે ભારતના અલગ અલગ વડા પ્રધાનો વિરુદ્ધ 27 વખત અવિશ્વાસ પ્રસ્તાવ લવાઈ ચૂક્યો છે, પરંતુ કોઈએ પણ બંધારણ, લોકતંત્ર અને પોતાના સિદ્ધાંતો સાથે સમજૂતી નથી કરી. અટલ બિહારી વાજપેયી તો એક વોટથી હારીને ઘરે જતા રહ્યા હતા. તેમણે ઈમરાન ખાનની જેમ દેશ અને બંધારણને ગીરવે મુકી દીધા નહોતા.