બ્રસેલ્સઃ બેલ્જિયમમાં આયોજિત ૧૩મી ભારત-યુરોપિયન યુનિયનની સમિટ દરમિયાન બેલ્જિયમના વડા પ્રધાન ચાર્લ્સ મિશેલ સાથેની મંત્રણા દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આતંકવાદનો સામનો કરવા માટે મ્યુચલ લિગલ આસિસ્ટન્સ ટ્રિટી અને અન્ય ઉપાયો પર ચર્ચા કરવા પર ભાર મૂક્યો હતો. મંત્રણા દરમિયાન આતંકવાદનો મુદ્દો છવાયેલો રહ્યો હતો કારણ કે ૨૨ માર્ચના રોજ બેલ્જિયમમાં થયેલા આતંકવાદી હુમલામાં ૩૨ લોકોનાં મોત થયા હતાં. બંને નેતાઓએ સમગ્ર વિશ્વમાં આતંકી નેટવર્કનો સફાયો કરવા પર ભાર મૂક્યો હતો.
ત્રણ દેશોના પ્રવાસના પ્રથમ પડાવમાં બેલ્જિયમની રાજધાની બ્રસેલ્સ પહોંચેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું ૩૦મી માર્ચે ગાર્ડ ઓફ ઓનર સાથે લાલ જાજમ બિછાવીને સ્વાગત કરાયું હતું. ભારત-યુરોપિયન સંઘ સમિટમાં હાજરી આપવા પહોંચેલા નરેન્દ્ર મોદીએ પ્રવાસના પ્રારંભે યુરોપિયન અને બેલ્જિયમની સંસદના કેટલાક સાંસદો સાથે મુલાકાત કરી હતી એ પછી બેલ્જિયમના વિદેશ પ્રધાન ડિડિયર રેયન્ડર્સ સાથે મોદી ગયા સપ્તાહમાં આતંકી હુમલાનો ભોગ બનેલા માલબિક મેટ્રો સ્ટેશન પહોંચ્યા હતા. અહીં તેમણે આતંકી હુમલાનો ભોગ બનેલા ઇન્ફોસિસના ભારતીય કર્મચારી રાઘવેન્દ્ર ગણેશન સહિતના પીડિતોને શ્રદ્ધાંજલિ અર્પી હતી.
બેલ્જિયમના વડા પ્રધાન સાથેની મંત્રણા પછી મોદીએ જણાવ્યું હતું કે, છેલ્લા આઠ દિવસ બેલ્જિયમ માટે પીડાદાયક હતાં. અમે પણ અનેક આતંકવાદી હુમલાઓનો ભોગ બન્યા હોવાથી અમે તમારું દુઃખ સમજી શકીએ છીએ. આવા સમયમાં પણ મારું ભવ્ય સ્વાગત કરવા બદલ હું તમારો આભારી છું. દુઃખના આ સમયમાં સમગ્ર ભારત બેલ્જિયમના લોકોની સાથે છે.
બેલ્જિયમના વડા પ્રધાન ચાર્લ્સ માઇકલ સાથે મોદીએ દ્વિપક્ષીય વ્યાપાર અને વ્યૂહાત્મક સંબંધો પર ચર્ચા કરીને સમગ્ર વિશ્વમાં આતંકવાદ સામેની લડાઈમાં એકજૂથ થવાનું આહ્વાન કર્યું હતું. મોદીએ જણાવ્યું હતું કે, ભારત છેલ્લાં ૪૦ વર્ષથી આતંકવાદ સામે લડી રહેલો દેશ છે. આ દૂષણ સામે તમામ દેશોએ સાથે મળીને અવાજ ઉઠાવવાની જરૂર છે.
બેલ્જિયમના ઉદ્યોગપતિઓ સાથેની બેઠકમાં વડા પ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, ભારત અને બેલ્જિયમ વચ્ચે લોહીનો સંબંધ છે. ૧૦૦ વર્ષ પહેલાં લડાયેલાં પ્રથમ વિશ્વયુદ્ધમાં ભારતમાંથી ૧.૩૦ લાખ સૈનિકો બેલ્જિયમની ધરતી પર લડયાં હતાં. આ યુદ્ધમાં ૯,૦૦૦ ભારતીય જવાનોએ સર્વોચ્ચ બલિદાન આપ્યાં હતાં.
આ સમિટમાં વડા પ્રધાન મોદી અને પીએમ માઇકલે લદ્દાખમાં સ્થપાયેલા એશિયાનાં સૌથી મોટાં ટેલિસ્કોપનું રિમોટ ટેક્નિકલ એક્ટિવેશન કર્યું હતું. આ ટેલિસ્કોપ ભારત અને બેલ્જિયમના સહયોગથી સ્થપાયું છે. બેલ્જિયમની ધરતી પર વડા પ્રધાને માઇકલ ચાર્લ્સને ભારતની મુલાકાત માટેનું આમંત્રણ પાઠવ્યું હતું.
હીરા ભારત અને બેલ્જિયમ વચ્ચેના સંબંધની પુરાણી કડી: મોદી
નરેન્દ્ર મોદીએ બેલ્જિયમની સરકાર અને કંપનીઓને ભારતના મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટો 'ડિજિટલ ઇન્ડિયા', 'સ્ટાર્ટ અપ ઇન્ડિયા' અને 'સ્કિલ ઇન્ડિયા' સાથે જોડાઇને રોકાણ કરવા આમંત્રણ આપ્યું હતું. મોદીએ બેલ્જિયમના બેઝનેસમેનોને સંબોધન કરતાં જણાવ્યું હતું કે, હીરા ભારત અને બેલ્જિયમને જોડતી જૂની કડી છે. હીરાને કારણે ભારતમાં સંખ્યાબંધ લોકોને રોજગાર મળે છે. આઈટી સેક્ટરમાં પણ બંને દેશો વચ્ચેના ઉદ્યોગસંબંધો મજબૂત બની શકે તેમ છે. અમે અમારા બંદરક્ષેત્રને જોશથી વિકસાવી રહ્યા છીએ. ભારતના આંતરિક જળમાર્ગો પણ બેલ્જિયમને બિઝનેસની ઘણી તકો આપી શકે છે. બેલ્જિયમના બિઝનેસમેન દુનિયાના સૌથી ઝડપથી વિકાસ પામતાં અર્થતંત્રમાં રહેલી તકોનો લાભ લઈ શકે છે.