નવી દિલ્હીઃ ભારતના મોખરાના ઉદ્યોગ સંગઠન ‘એસોચેમે’ જણાવ્યું છે કે દેશની અર્થવ્યવસ્થા વૈશ્વિક સ્તરે મુશ્કેલ સમયમાંથી બહાર આવશે અને 2023માં મજબૂત ગ્રાહક માંગ, સારી કોર્પોરેટ કામગીરી અને ફુગાવો ઘટતાં મજબૂત પ્રદર્શનની અપેક્ષા છે. આ વર્ષ પડકારો અને તકોથી ભરેલું રહેશે. જોકે વૈશ્વિક પરિસ્થિતિ પડકારજનક લાગે છે, તેમ છતાં ભારતીય અર્થતંત્ર મજબૂત રહેવાની અપેક્ષા છે. તેનું કારણ મજબૂત સ્થાનિક માંગ, સ્વસ્થ નાણાકીય ક્ષેત્ર અને કંપનીઓની સ્વસ્થ બેલેન્સશીટ છે.
રવિ પાકની ઉપજ સારી રહેવાના પ્રારંભિક સંકેતો છે. આ કૃષિ ક્ષેત્રની મજબૂત કામગીરી દર્શાવે છે. રોજિંદા ઉપયોગની ચીજવસ્તુઓ, ટ્રેક્ટર, ટુ-વ્હીલર, વિશિષ્ટ રસાયણો અને ખાતર જેવા સંબંધિત ઉદ્યોગો પર તેની હકારાત્મક અસર થવાની સંભાવના છે. ટ્રાવેલ, હોટેલ અને ટ્રાન્સપોર્ટ જેવા કનેક્ટિવિટી સેક્ટરમાં ગ્રાહકોનું સેન્ટિમેન્ટ સારું છે. ટ્રાન્સપોર્ટ, હાઉસિંગ, પાવર, ઈલેક્ટ્રોનિક્સ, ડિસ્ક્રિશનરી કન્ઝયુમર ગુડ્સ અને વાહન સેક્ટર પર તેની સકારાત્મક અસર પડશે. આપણી સ્થાનિક માંગ વૈશ્વિક માંગમાં નરમાઈના જોખમને તટસ્થ કરશે. જોકે, આપણે આંતરરાષ્ટ્રીય સ્તરે, ખાસ કરીને ઉભરતી અર્થવ્યવસ્થાઓમાં ચલણની વધઘટ અંગે સાવચેત રહેવાની જરૂર છે.