બારી (ઈટાલી)ઃ ઇટાલીના યજમાનપદે યોજાયેલી ગ્રૂપ ઓફ સેવન (G7) ઔદ્યોગિક દેશોની શિખર સમિટમાં જોડાયેલા દેશોએ ઈન્ડિયા-મિડલ ઈસ્ટ-યુરોપ ઈકોનોમિક કોરિડોર માટે નક્કર ઈન્ફ્રાસ્ટ્રકચર વિકસાવવા માટે પ્રતિબદ્ધતા દર્શાવીને આ મહત્ત્વાકાંક્ષી યોજનાને વેગવંતી કરવાનો નિર્ણય કર્યો છે. G7 દેશોના આ નિર્ણયને ચીનના વિસ્તારવાદી અભિગમ સામે ખુલ્લા પડકાર તરીકે નિહાળવામાં આવે છે.
ત્રણ દિવસની શિખર બેઠકનાં સમાપન વેળા બહાર પડાયેલા સંયુક્ત નિવેદનમાં સાતેય સહભાગી દેશો - કેનેડા, ફ્રાન્સ, જર્મની, ઇટાલી, જાપાન, યુકે અને યુએસએ દ્વારા આ મામલે એકસૂરે સંમતિ દર્શાવાઇ છે. ભારતનાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ શિખર પરિષદમાં ઈટાલીનાં વડાંપ્રધાન જ્યોર્જિયા મેલોનીનાં નિમંત્રણથી ખાસ આમંત્રિત તરીકે હાજર રહ્યા હતા.
ભારતમાં સતત ત્રીજી વખત વડાપ્રધાન સંભાળ્યા બાદ પહેલા જ વિદેશપ્રવાસે ઇટાલી પહોંચેલા નરેન્દ્ર મોદીએ શિખર પરિષદ દરમિયાન બ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનક, ફ્રાન્સના વડાપ્રધાન ઈમેન્યુઅલ મેક્રોં અને પોપ ફ્રાન્સિસ સહિત અનેક નેતાઓ સાથે દ્વિપક્ષીય વાતચીત કરી હતી. વડાપ્રધાન મોદીએ કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો સાથે કરેલી મુલાકાત પણ ચર્ચામાં રહી.
આ સાથે જ G7 દેશોએ કાયદા મુજબ ઈન્ડો પેસિફિક વિસ્તારને પણ મુક્ત કરવા અને સહુ કોઇ માટે ખુલ્લો મુકવાની કટિબદ્ધતા દર્શાવી હતી. શિખર બેઠકમાં હાજર રહેલા વિશ્વનાં સાત દેશોનાં સર્વોચ્ચ નેતાઓએ ખાસ કરીને રશિયા અને યુક્રેન યુદ્ધ તેમજ ચીનનાં વધતા જતા વિસ્તારવાદ મુદ્દે ચિંતા વ્યક્ત કરીને ચર્ચા કરી હતી.
ભારતમાં રોપાયું હતું યોજનાનું બીજ
ઉલ્લેખનીય છે કે ભારતમાં યોજાયેલા G20 શિખર સંમેલન દરમિયાન ભારત-મિડલ ઈસ્ટ-યુરોપ કોરિડોરની પરિકલ્પના કરવામાં આવી હતી અને તેને મુર્ત સ્વરૂપ આપવાના પ્રયાસ હાથ ધરાયા હતા. જોકે ઈઝરાયેલ અને હમાસ વચ્ચે શરૂ થયેલા ભીષણ યુદ્ધ બાદ કોરિડોરની પ્રગતિ સામે આશંકા સર્જાઈ હતી. જોકે હવે કોરિડોર યોજનામાં ફરી એક વખત પ્રગતિ થઈ રહી છે.
આ ઈકોનોમિક કોરિડોરમાં શું હશે?
IMEC તરીકે જાણીતા ભારત-મિડલ ઈસ્ટ-યુરોપ ઈકોનોમિક કોરિડોરમાં એશિયા, મિડલ ઈસ્ટ અને પશ્ચિમના દેશો વચ્ચે સંકલન સાધવા માટે સાઉદી અરેબિયા, ભારત, અમેરિકા અને યુરોપના દેશો વચ્ચે રોડ-રેલવે-શિપિંગનું વિશાળ નેટવર્ક સ્થાપવામાં આવશે. ચીનનાં બેલ્ટ એન્ડ રોડ ઈનિશિયેટિવ (BRI) સામે ટક્કર આપવા માટે સમાન નીતિઓ ધરાવતા દેશો દ્વારા IMECની રચના કરવામાં આવશે.
ભારતે યોજેલી G20 દેશોના શિખર સંમેલન વખતે IMEC રચવાની રૂપરેખા ઘડવામાં આવી હતી. G7 દેશોએ શિખર બેઠકમાં ગ્લોબલ ઈન્ફ્રાસ્ટ્રકચર એન્ડ ઈન્વેસ્ટમેન્ટ માટે પાર્ટનરશીપ (PGII) વિકસાવવા તેમજ મહત્વનાં અન્ય પ્રોજેકટસ ઝડપથી હાથ ધરવાનું નક્કી કર્યું હતું. આ ઉપરાંત ગુણવત્તાયુક્ત ઈન્ફ્રાસ્ટ્રકચર તેમજ રોકાણો માટે ટ્રાન્ફોર્મેટિવ ઈકોનોમિક કોરિડોર વિકસાવવા સંકલ્પ કર્યો હતો.
ખાસ કરીને લોબિટો કોરિડોર, લ્યુઝોન કોરિડોર, મિડલ કોરિડોર અને ઈન્ડિયા - મિડલ ઈસ્ટ-યુરોપ ઈકોનોમિક કોરિડોર વિકસાવવા તેમજ EU ગ્લોબલ ગેટવે રચવા અને ગ્રેટ ગ્રીન વોલ માટે કાર્ય કરવા પ્રતિબદ્ધતા દર્શાવી હતી. ઈટાલીએ તૈયાર કરેલ આફ્રિકા માટેનાં મટ્ટેઈ પ્લાનનો પણ અમલ કરાશે.
2047 સુધીમાં ભારત વિકસિત રાષ્ટ્રઃ મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ G7 દેશોની શિખર પરિષદ દરમિયાન 14 જૂને આઉટરીચ બેઠકને સંબોધતા કહ્યું હતું કે 2047 સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવાશે. આ ઉપરાંત AIનો ઉપયોગ વિનાશ માટે નહીં પણ સર્જન માટે કરાશે. આ પૂર્વે મોદી ફ્રાન્સનાં પ્રેસિડેન્ટ મેક્રોંને મળ્યા હતા અને દ્વિપક્ષીય મંત્રણાઓ યોજી હતી. બંને નેતાઓએ ભારત અને ફ્રાન્સ વચ્ચેનાં દ્વિપક્ષીય સંબંધોને વધુ ગાઢ બનાવવા સંમતિ દર્શાવી હતી. ભારત અને ફ્રાન્સે બંને દેશો વચ્ચે વ્યૂહાત્મક સંરક્ષણ સહયોગને વેગ આપવા સંમતિ દર્શાવી હતી. ભારતનાં મેક ઈન ઈન્ડિયા પ્રોજેક્ટ પર વધારે ભાર મૂકવા ફ્રાન્સનાં મેક્રોંએ તૈયારી દર્શાવી હતી. મોદી આ ઉપરાંત યુકેનાં પીએમ ઋષિ સુનક અને યુક્રેનનાં ઝેલેન્સ્કીને પણ મળ્યા હતા અને એકબીજાને ભેટીને પરસ્પર અભિવાદન કર્યું હતું. મોદી અને ઈટાલીનાં વડાપ્રધાન મેલોનીએ નમસ્તે કહીને એકબીજાને ઉષ્માભેર આવકાર્યા હતા. મોદી પોપ ફ્રાન્સિસને પણ ઉમળકાભેર મળ્યા હતા.