સમરકંદ: ભારત દુનિયામાં મેન્યુફેક્ચરિંગ હબ બનવાની દિશામાં આગળ વધી રહ્યું છે અને આ વર્ષે તેનો વૃદ્ધિદર 7.5 ટકા રહેવાની આશા છે, જે દુનિયાના મોટા અર્થતંત્રોમાં સૌથી ઊંચો વૃદ્ધિદર હશે તેમ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઉઝબેકિસ્તાનના સમરકંદમાં યોજાયેલ શાંઘાઈ કો-ઓપરેશન ઓર્ગેનાઈઝેશન (એસસીઓ)ની બેઠકમાં ગયા શુક્રવારે કહ્યું હતું. ઉલ્લેખનીય છે કે આઠ સભ્યોના સંગઠનના ફરતા પ્રમુખપદના ભાગરૂપે એસસીઓની આગામી બેઠકનું પ્રમુખપદ ભારત સંભાળશે. ઉઝબેકિસ્તાને ભારતને શુક્રવારે પ્રમુખપદ સોંપ્યું હતું.
એકમેકને ટ્રાન્ઝિટનો અધિકાર આપીએ
ઉઝબેકિસ્તાનના ઐતિહાસિક શહેર સમરકંદમાં શુક્રવારે વડા પ્રધાન મોદીએ જણાવ્યું કે, ભારત એસસીઓના સભ્ય દેશો વચ્ચે વધુ સહયોગ અને પરસ્પર વિશ્વાસનું સમર્થન કરે છે. કોરોના મહામારી અને યુક્રેન સંકટના કારણે વૈશ્વિક સપ્લાય ચેઈનમાં અવરોધો ઊભા થયા છે, તેના કારણે આજે આખું વિશ્વ અભૂતપૂર્વ ઊર્જા અને ખાદ્ય સંકટનો સામનો કરી રહ્યું છે. એસસીઓએ આપણા ક્ષેત્રમાં વિશ્વસનીય રેઝિલિયન્ટ અને ડાયવર્સિફાઈડ સપ્લાય ચેઈન વિકસાવવા માટે પ્રયત્નો કરવા જોઈએ. તેના માટે વધુ સારી કનેક્ટિવિટીની જરૂર છે. સાથે જ આપણે એકબીજાને ટ્રાન્ઝિટનો અધિકાર આપીએ તે પણ જરૂરી છે.
વૈશ્વિક આર્થિક સહયોગ અંગે વાત કરતાં વડાપ્રધાન મોદીએ કહ્યું કે કોરોના મહામારી પછી સમગ્ર વિશ્વના અર્થતંત્રો પડકારોનો સામનો કરી રહ્યા છે ત્યારે એસસીઓની ભૂમિકા ઘણી મહત્વની બને છે. એસસીઓના સભ્ય દેશો વૈશ્વિક જીડીપીમાં 30 ટકા યોગદાન આપે છે અને વિશ્વની 40 ટકા વસતી એસસીઓ સભ્ય દેશોમાં વસે છે. ભારત આજે વિશ્વમાં મેડિકલ અને વેલનેસ પ્રવાસન માટે સૌથી અફોર્ડેબલ ડેસ્ટિનેશનમાંનું એક છે. વડાપ્રધાન મોદીએ દુનિયાને ભારતમાં રોકાણ કરવા આહ્વાન કર્યું હતું. તેમણે કહ્યું કે, પીપલ સેન્ટ્રિક ડેવલપમેન્ટ મોડેલમાં ભારત ટેક્નોલોજીના યોગ્ય ઉપયોગ પર પણ ફોકસ કરી રહ્યું છે. દરેક સેક્ટરમાં ભારત ઈનોવેશનનું સમર્થન કરી રહ્યું છે. ભારતમાં આજે 70 હજારથી વધુ સ્ટાર્ટઅપ્સ છે, જેમાંથી 100થી વધુ યુનિકોર્ન છે. અમે અમારો આ અનુભવ અન્ય એસસીઓ સભ્યોને કામ આવી
શકે છે.