નવી દિલ્હીઃ ભારત અને અમેરિકા વચ્ચે લશ્કરી સહયોગ કરાર કરાયા છે સાઉથ ચાઈના સી અને હિન્દ મહાસાગર જેવા દરિયાઈ વિસ્તારોમાં ચીનની વધતી જતી ઘૂસણખોરીનો સામનો કરવા માટે આ કરાર મહત્ત્વનાં પુરવાર થશે. બંને દેશોએ એકબીજાનાં જમીન પરનાં લશ્કરી થાણા તેમજ એરબેઝ અને નેવલ બેઝનો ઉપયોગ કરવા કરાર કર્યા હતા. જેમાં મુજબ લશ્કરી સાધનોનાં રિપેરિંગ અને રિસપ્લાય માટે એકબીજાની જમીન, એર સ્પેસ અને નેવલ બેઝનો ઉપયોગ કરી શકાશે.
હાલ અમેરિકાની મુલાકાત ગયેલા ભારતનાં સંરક્ષણ પ્રધાન મનોહર પાર્રિકર તેમજ અમેરિકાનાં સંરક્ષણ પ્રધાન એશ્ટોન કાર્ટર વચ્ચે આ કરાર થયા હતા, જે લોજિસ્ટિક્સ એક્સ્ચેન્જ મેમોરેન્ડમ ઓફ એગ્રીમેન્ટ (LEMOA - લેમોઆ) તરીકે ઓળખાશે. આ કરારમાં બંને દેશો વચ્ચે લશ્કરી સાધનો અને સામગ્રી તેમજ સર્વિસીસ પૂરી પાડવાની સંમતિ સધાઈ છે. ડિફેન્સ ટેકનોલોજી તેમજ ટ્રેડ કોઓપરેશનની નવી તકો આને કારણે ખૂલશે. પરસ્પરનાં હિતો અને મૂલ્યોને જાળવીને આ કરારનો અમલ કરવામાં આવશે.
‘લેમોઆ’ શું છે?
• લેમોઆ એટલે લોજિસ્ટિક્સ એક્સ્ચેન્જ મેમોરેન્ડમ ઓફ એગ્રીમેન્ટ (LEMOA). જે ભારતનાં લશ્કરી દળોની આક્રમક ક્ષમતા વધારશે. કુદરતી આફતો અને માનવીય રાહત તેમજ બચાવ કાર્યોમાં તેમની કામગીરી ઝડપી બનાવી શકાશે.
• અમેરિકા અને ભારતનાં લશ્કરો વચ્ચે રિઈમ્બર્સેબલ ધોરણે લોજિસ્ટિક સપોર્ટ , સપ્લાય તેમજ ર્સિવસિસ માટે સુવિધાઓ વધશે. તેનાં ઉપયોગ માટેની રૃપરેખા પણ ઘડાશે.
• લશ્કરી સાધનોનાં રિપેરિંગ અને રિસપ્લાય માટે બંને દેશો એકબીજાની જમીન, એર સ્પેસ તેમજ નેવલ બેઝનો ઉપયોગ કરી શકશે. ચીનનાં વિસ્તારવાદનો સામનો કરવા તે મહત્ત્વનું પુરવાર થશે.
•પરસ્પરનાં હિતોની જાળવણી માટે મિલિટરી ર્સિવસિસનો સહકાર વધારવા અને આ અંગે વખતોવખત એકબીજાને માહિતી આપવા તેમજ ત્રાસવાદનો સામનો કરવા, દરિયાઈ સુરક્ષા, વિશેષ લશ્કરી કામગીરી, માનવીય સહાય અને કુદરતી આપત્તિ વખતે વિશેષ કામગીરીમાં બંને દેશો વચ્ચે સહકાર વધારી શકાશે.
• સ્ટ્રેટેજિક અને પ્રાદેશિક સહયોગ, મિલિટરી ટુ મિલિટરી સહયોગ, સંરક્ષણ ટેકનોલોજી અને નવી શોધોનું આદાન પ્રદાન કરવું.
• ડિફેન્સ ટેકનોલોજી તેમજ ટ્રેડ સહયોગ વધારવાની તક બંને દેશોને મળશે.
• અમેરિકા દ્વારા તેનાં અન્ય સાથી અને સહયોગી દેશોની જેમ ભારતને પણ ડિફેન્સ ટ્રેડ અને ટેકનોલોજી આપવામાં આવશે.
ચીન અને પાકિસ્તાન ગૂંચવાયા
ભારત અને અમેરિકા વચ્ચે કરવામાં આવેલા લશ્કરી સહયોગ કરારથી પાકિસ્તાન અને ચીન ધૂંધવાયા છે તેવા અહેવાલો ચાઈનીઝ મીડિયાએ પ્રકાશિત કર્યા હતા. રશિયા પણ નારાજ થશે તેવી ભીતિ વ્યક્ત કરાઈ છે. જો ભારત અમેરિકા તરફ ઢળતું જશે તો તે તેની વ્યૂહાત્મક સ્વતંત્રતા ગુમાવશે તેમ ચીનનાં અખબાર ગ્લોબલ ટાઈમ્સે જણાવ્યું હતું. યુનએસ મીડિયાએ બંને દેશો વચ્ચેનાં કરારને એક ડગલું આગળ ગણાવ્યા હતા.
જ્યારે ફોર્બ્સે તેને વોર પેક્ટ ગણાવ્યું હતું.