વોશિંગ્ટનઃ ચંદ્રયાનની ભારત અને અમેરિકાના સંબંધો ચંદ્ર સુધી અને તેનાથી પણ આગળ વધશે તેના પર ભાર મૂકતાં વિદેશ પ્રધાન એસ. જયશંકરે જણાવ્યું હતું કે ભારત-અમેરિકા સંબંધો અત્યાર સુધીના સર્વોચ્ચ સ્તરે છે અને મોદી સરકાર તેને એક અલગ મુકામે લઈ જશે.
વોશિંગ્ટનમાં 30 સપ્ટેમ્બરે ઇન્ડિયા હાઉસ ખાતે ઇન્ડિયન અમેરિકનોને સંબોધતાં તેમણે આ ટીપ્પણી કરી હતી. ભારતીય દૂતાવાસ દ્વારા આયોજિત ‘સેલિબ્રેટિંગ કલર્સ ઓફ ફ્રેન્ડશિપ’ કાર્યક્રમમાં હાજરી આપવા માટે અમેરિકાના વિવિધ વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં ભારતીય મૂળના લોકો આવ્યાં હતાં.
ઇન્ડિયા હાઉસ ખાતે ભારતીય-અમેરિકનોની અત્યાર સુધીની સૌથી મોટી સભામાં સંબોધતાં જયશંકરે જણાવ્યું હતું કે ‘આજે એક સ્પષ્ટ સંદેશ છે કે અમારો સંબંધ સર્વકાલીન ઉચ્ચ સ્તરે છે, પરંતુ જેમ અમેરિકામાં કહેવામાં આવે છે કે તમે હજી સુધી કંઈ જોયું જ નથી, તેમ અમે આ સંબંધને એક અલગ સ્તરે અને અલગ મુકામે લઈ જઈશું. અમેરિકાના સમર્થન વગર G20 સફળ થઈ ન હોત. મારા મતે તે ભારત-અમેરિકાની ભાગીદારીની પણ સફળતા છે. આ ભાગીદારીને જે સમર્થનની જરૂર છે, તે જે સમર્થનને પાત્ર છે અને જે સમર્થનની અપેક્ષા છે તે આપતા રહો. હું તમને વચન આપી શકું છું કે આ સંબંધ ચંદ્રયાનની જેમ ચંદ્ર પર જશે, કદાચ તેનાથી આગળ વધશે.’
જયશંકરે કહ્યું હતું કે બંને દેશો વચ્ચેનો માનવીય બંધન દ્વિપક્ષીય સંબંધોને અનન્ય બનાવે છે. દેશો વચ્ચે બિઝનેસ, મિલિટરી સહયોગ હોય છે, પરંતુ બે દેશો વચ્ચે ગાઢ માનવીય સંબંધ હોય ત્યારે તે સંપૂર્ણપણે અલગ સહયોગ હોય છે. દ્વિપક્ષીય સંબંધોના નિર્માણમાં ડાયસ્પોરાનું યોગદાન કંઈક અદભૂત છે.
રશિયા સાથેની દોસ્તીને બિરદાવી
જયશંકરે આ પ્રસંગે જણાવ્યું હતું કે રશિયા સાથે અમારી મિત્રતા 70 વર્ષથી મજબૂત રહી છે અને તેમાં કોઈ ચડાવ–ઉતાર આવ્યા નથી. આ નિવેદન કરીને વિદેશપ્રધાને યુએનની બેઠકમાં જ અમેરિકા અને ચીનને સંદેશ આપ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે વિશ્વની મોટી શક્તિઓના સંબંધો ઉતાર–ચડાવમાંથી પસાર થયા છે પણ ભારત અને રશિયા વચ્ચે એવું ક્યારેય થયું નથી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે આગામી દિવસોમાં રશિયાનો ઝુકાવ એશિયા તરફ વધારે રહેશે.
‘ચીન સાથેના સંબંધ હંમેશા મુશ્કેલ’
ભારત અને ચીનના સંબંધો પર વિદેશપ્રધાન જયશંકરે જણાવ્યું હતું કે તેમની સાથે ક્યારેય પણ સરળ સંબંધો રહ્યા નથી. તેમાં હંમેશા સમસ્યાઓ રહી છે. જો કે તેમણે જણાવ્યું હતું કે 1975 બાદથી સરહદ પર કોઈ ઘાતક યુદ્ધ ઘટના બની નથી. વિદેશપ્રધાને જણાવ્યું હતું કે ચીન સાથે વ્યવહાર કરવાનો આનંદ એ છે કે તેઓ તમને ક્યારેય પણ નથી જણાવતાં કે તેઓ આવું કેમ કરે છે? તે ક્યારેય સરળ સંબંધ રહ્યો નથી.
એનએસએ સુલિવન સાથે બેઠક
વિદેશ પ્રધાન જયશંકરે 28 સપ્ટેમ્બરે અમેરિકી નેશનલ સિક્યુરિટી એડવાઇઝર (એનએસએ) જેક સુલિવન સાથે બેઠક યોજીને બંને દેશો વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોમાં સધાયેલી પ્રગતિ તેમ જ સંબંધોને આગળ ધપાવવાના ઉપાયો વિષયે ચર્ચા વિચારણા કરી હતી. ન્યૂ યોર્કમાં યુએનની બેઠકને સંબોધન કર્યા પછી વિદેશપ્રધાન વોશિંગ્ટન પહોંચ્યા હતા.