નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના અમેરિકા પ્રવાસના પ્રારંભ સાથે જ દ્વિપક્ષીય સંબંધોમાં નવું પ્રકરણ ઉમેરાયું છે. વિશ્વના બે મહાન લોકતંત્રના સર્વોચ્ચ નેતાઓની મુલાકાત પર માત્ર આંતરરાષ્ટ્રીય મીડિયા જ નહીં, સમગ્ર વિશ્વના રાજનેતાઓ નજર માંડીને બેઠાં છે. છેલ્લા એક મહિનામાં અમેરિકાના નેશનલ સિક્યુરિટી એડવાઇઝર અને સંરક્ષણ પ્રધાનથી માંડીને ટોચના નેતાઓની ભારત મુલાકાતનો સિલસિલો ખૂબ સૂચક છે.
એક તરફ, ભારત-અમેરિકાને વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને પ્રમુખ જો બાઇડેનની મુલાકાતથી દ્વિપક્ષીય સંબંધો વધુ મજબૂત બનવાની આશા છે તો બીજી તરફ પાકિસ્તાન અને ચીનની છાવણીમાં હલચલ મચી છે. ભારતના બન્ને પડોશી દેશ નરેન્દ્ર મોદીના અમેરિકા પ્રવાસથી પરેશાન છે. તેવામાં પ્રશ્ન એ થાય છે કે, આખરે વડા પ્રધાન મોદીની અમેરિકી મુલાકાતથી ભારતને પ્રાપ્ત શું થશે?
ભારત સરકારના વિદેશ સચિવ વિનય મોહન ક્વાત્રાનું કહેવું છે કે દ્વિપક્ષીય સંબંધો માટે આ પ્રવાસ એક માઇલસ્ટોન છે. વડા પ્રધાનની અમેરિકા યાત્રા દરમિયાન જે મુખ્ય મુદ્દાઓ પર ચર્ચા કરાશે તેમાંનો એક મુદ્દો દ્વિપક્ષીય સંરક્ષણ સહયોગ છે. બીજો મુખ્ય મુદ્દો ભારત-અમેરિકા વચ્ચે મજબૂત વ્યાપાર અને રોકાણની ભાગીદારી છે અને ત્રીજો મુખ્ય મુદ્દો ટેકનોલોજી છે. આ ઉપરાંત ટેલિકોમ, અંતરીક્ષ, મૂડીરોકાણ સહિતના મુદ્દા પણ કેન્દ્રમાં હશે.
જંગી મૂડીરોકાણની સંભાવના
વડા પ્રધાન મોદી અમેરિકાની મુલાકાત વખતે અમેરિકાના દિગ્ગજ ઉદ્યોગપતિઓ સાથે પણ મુલાકાત કરશે. ઉદ્યોગપતિઓ સાથેની મુલાકાત વખતે ભારતમાં મૂડીરોકાણને મુદ્દે પણ ચર્ચા થશે. વડા પ્રધાન મોદીની આ અમેરિકા મુલાકાત વખતે માઇક્રોન ટેક્નોલોજી અને એક બિલિયન ડોલરથી વધુના રોકાણની જાહેરાત થઈ શકે છે.
આંતરરાષ્ટ્રીય કક્ષાએ ભારતની તાકાત વધશે
વિશ્વના મોટા દેશોમાં હજી ભારત જ એક એવો મોટો દેશ છે કે, જે સંપૂર્ણ રીતે અલિપ્ત રાષ્ટ્ર છે. અર્થાત તે હજી કોઈ જૂથમાં સામેલ નથી થયો. તેમ છતાં ભારત તમામ જૂથોનો પસંદગીનો દેશ છે. વડા પ્રધાન મોદી આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પ્રસંગે ભારતીય સંસ્કૃતિ અને સભ્યતાનો પ્રસાર કરશે, તે પછી તેઓ પ્રમુખ જો બાઇડેન સાથે બેઠક કરશે. આ બેઠક દરમિયાન ભારત અમેરિકા વચ્ચે વ્યુહાત્મક ભાગીદારી મુદ્દે ચર્ચા થશે અને સમજૂતી પણ થશે. સ્પષ્ટ છે કે, તેથી આંતરરાષ્ટ્રીય કક્ષાએ ભારતની તાકાત વધશે, બંને દેશો વચ્ચે સંરક્ષણ ઉત્પાદનોની ખરીદી સંબંધે કરાર થઈ શકે છે.
પાક. અને ચીન શા માટે ચિંતિત?
વિશ્વમાં ભારતના વધી રહેલા વર્ચસ્વથી ચીન અને પાકિસ્તાન પહેલેથી પરેશાન છે. પાકિસ્તાન અનેક સંકટોથી ઘેરાયેલું છે તો ચીન પણ અનેક વિવાદોમાં ઘેરાયલું છે. તેવામાં ભારત ઝડપથી આગળ વધી રહ્યું છે. ભારતની આગેકૂચથી બંને દેશો ચિંતિત છે. તેમને લાગે છે કે ભારતનો વિકાસ થઈ જતા વિશ્વમાં તેમનું મહત્ત્વ ઘટી જશે, બંને દેશો એ જાણે છે કે, ભારત આગળ વધશે તો અશિયામાં તેમને જ નુકસાન થશે. ભારત એશિયાઈ અને પ્રશાંત ક્ષેત્રના દેશોને ઝડપથી પોતાની સાથે જોડી રહ્યું છે. આ સંભવ બને તો સીધું નુકસાન પાકિસ્તાન અને ચીનને જ થાય, ચીનને તેથી આંચકા લાગી રહ્યા છે.
આપણા હિતોને કેન્દ્રમાં રાખીને થશે મુલવણીઃ જયશંકર
વડા પ્રધાન મોદીની અમેરિકા મુલાકાત સંબંધમાં વિદેશપ્રધાન એસ. જયશંકરે કહ્યું છે કે, વડા પ્રધાન મોદીની અમેરિકી મુલાકાતના મહત્ત્વના પરિણામો સામે આવશે. પહેલી વાર એવું બનશે કે ભારતના એક વડા પ્રધાન અમેરિકી કોંગ્રેસના સંયુક્ત સત્રની બેઠકને બીજી વાર સંબોધન કરશે. તેમણે કહ્યું કે, વડા પ્રધાન કોઈ પણ દેશની મુલાકાત લે છે ત્યારે દેશના સંબંધ તેની સાથે આગળ વધે છે. તેનો પ્રભાવ અન્ય દેશો પર પણ પડી શકે છે. જોકે આપણે મુલાકાતની મુલવણી આપણા હિતો અને બંને દેશો વચ્ચેના સંબંધોના દૃષ્ટિકોણથી કરતા હોઈએ છીએ
હિંદ-પ્રશાંત સાગર સંદર્ભે મહત્ત્વની મુલાકાત
પ્રશાંત ક્ષેત્રમાંથી વધુ નાના દેશો અને ટાપુ છે. આ પ્રદેશમાં ચીની પ્રભાવ ઝડપથી વધી રહ્યો છે. ચીને બેલ્ટ એન્ડ રોડ પ્રોજેક્ટની પહેલ અંતર્ગત પાપુઆ ન્યૂ ગિની નજીકના સોલોમન ટાપુ સમૂહ સાથે એક સુરક્ષા સમજૂતી કરી છે. ચીને રાજધાની હોર્નિયાર ખાતે બંદરગાહ ઊભું કરવા કોન્ટ્રાક્ટ પણ મેળવ્યો છે. પાપુઆ ન્યુ ગિનીનો ઝુકાવ ચીન તરફ ઝુકાવ હોવાનું મનાઈ રહ્યું છે. ‘ક્વાડ’ દેશો ભારત, અમેરિકા, જાપાન અને ઓસ્ટ્રેલિયા માટે આ ચિંતાનો વિષય છે. અમેરિકા ઇરછે છે કે વડા પ્રધાન મોદી પ્રશાંત મહાસાગરની સાથોસાથ અન્ય એશિયાઈ દેશોને પણ સંગઠિત કરીને તેમનું નેતૃત્વ કરે. આમ થાય તો ચીનનો પ્રભાવ ઘટી શકે છે.
નરેન્દ્ર મોદી પ્રથમ વાર ઇજિપ્તના પ્રવાસે
વિદેશ સચિવ ક્વાત્રાએ વધુમાં જણાવ્યું હતું કે વડા પ્રધાન અમેરિકાની યાત્રા પૂર્ણ કર્યા બાદ 24-25 જૂને ઈજિપ્તની યાત્રા કરશે. વડા પ્રધાન મોદીની આ પ્રથમ ઈજિપ્ત યાત્રા હશે. એટલું જ નહીં 1997 બાદ કોઇ પણ ભારતીય વડા પ્રધાનની પ્રથમ સત્તાવાર દ્વિપક્ષીય પ્રવાસ પણ હશે. વડા પ્રધાન મોદીની ઈજિપ્ત યાત્રા બન્ને દેશ માટે મહત્ત્વની માનવામાં આવે છે. નોંધનીય છે કે પાછલા દિવસોમાં શ્રીનગરમાં આયોજિત જી-20 બેઠકમાં તુર્કી, સાઉદી અરબની સાથે ઈજિપ્તે પણ ભાગ લીધો હતો. ઈજિપ્તના પ્રેસિડેન્ટ અબ્દુલ ફત્તાહ અલ-સિસિના આમંત્રણ પર વડા પ્રધાન પોતાનો પ્રથમ ઈજિપ્ત પ્રવાસ કરશે.