નવી દિલ્હીઃ ભારતની ત્રણ દિવસની મુલાકાતે આવેલા રશિયાના વિદેશપ્રધાન સર્ગેઈ લાવરોવે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે યૂક્રેન મામલે ભારત મધ્યસ્થી કરે તે જરૂરી છે. અગાઉ યૂક્રેન પણ આ જ પ્રકારની અપીલ કરી ચૂક્યું છે.
રશિયન વિદેશ પ્રધાને કહ્યું હતું કે ભારત જે માંગે તે ચીજવસ્તુઓ આપવા અને બંને દેશોને પરસ્પર સંમત અને સ્વીકૃત સહયોગ સાધવા તેમજ હિત ધરાવતા તમામ મુદ્દે ચર્ચા કરવા રશિયા તૈયાર છે. તેમણે કહ્યું કે મારું માનવું છે કે ભારતની વિદેશનીતિ ખાસ કરીને સ્વતંત્ર છે અને દેશનાં રાષ્ટ્રીય હિતોની જાળવણીને આધારિત છે. રશિયાની નીતિ પણ આવી જ છે અને એટલે જ તેણે આપણને એક મોટા શક્તિશાળી દેશ બનાવ્યા છે, સારા મિત્રો તેમજ વફાદાર પાર્ટનર બનાવ્યા છે.
લાવરોવે યૂક્રેન સાથેનાં યુદ્ધ મામલે ભારતની તટસ્થ વિદેશનીતિનાં વખાણ કર્યા હતાં. તેમણે કહ્યું કે હું રશિયાનાં પ્રેસિડેન્ટ પુતિન દ્વારા ભારતનાં પીએમ મોદી માટે શુભેચ્છા સંદેશ લઈને આવ્યો છું. પુતિને ભારતનાં પીએમ મોદીને થેન્ક્યૂ કહેવડાવ્યું છે.
તેમણે કહ્યું કે રશિયા પાસેથી ભારત જે કોઈ વસ્તુ ખરીદવા માંગતું હોય તે તમામ ચીજવસ્તુઓ ભારતને આપવા તૈયાર છીએ. અમે ચર્ચા કરવા તૈયાર છીએ. રશિયા અને ભારત સારા મૈત્રીપૂર્ણ સંબંધો ધરાવે છે. યૂક્રેન સાથે યુદ્ધનાં સંદર્ભમાં લાવરોવની ભારત મુલાકાત મહત્ત્વની છે. તમામ દેશોની તેના પર બાજ નજર છે
ભારતની કૂટનીતિની ભરપેટ પ્રશંસા
રશિયાએ ભારતને યુદ્ધ પહેલાંની કિંમતે જંગી ડિસ્કાઉન્ટમાં ક્રૂડ ઓઈલ આપવા ઓફર કરી છે. યૂક્રેન પર આક્રમણને પગલે અમેરિકા તેમજ નાટો દેશોએ રશિયા પર આર્થિક અને વેપારી પ્રતિબંધો લાદ્યા છે. રશિયાનાં અન્ય દેશો સાથેનાં વેપારને અસર પડી છે ત્યારે રશિયાએ સસ્તા દરે ક્રૂડ આપવા તૈયારી દર્શાવી છે. ભારતને બેરલ દીઠ 35 ડોલર ઓછી કિંમતે ક્રૂડ આપવા રશિયા તૈયાર છે. રશિયા એવું ઈચ્છે છે કે ભારત દ્વારા નક્કી કરાયા મુજબ 15 મિલિયન બેરલ ક્રૂડ ખરીદવામાં આવે. રશિયાએ રૂપી – રૂબલમાં પેમેન્ટ સિસ્ટમ નક્કી કરવા પણ તૈયારી દર્શાવી છે.
ભારત અમારા માટે મહત્ત્વપૂર્ણ દેશઃ લાવરોવ
લાવરોવે કહ્યું કે રશિયા-યૂક્રેન વચ્ચેનાં યુદ્ધમાં જો ભારતની મધ્યસ્થી ન્યાયસંગત અને તર્કસંગત હોય તો અમે તેને આવકારીએ છીએ. ભારત મહત્ત્વનો દેશ છે. જો તે સમસ્યાનું સમાધાન લાવવાની દિશામાં ભૂમિકા નિભાવવા માગતો હોય તો તે આવકાર્ય છે.
રશિયા તમામ મદદ કરશે
સુરક્ષાના પડકારોનો સામનો કરવા રશિયા ભારતને કેવી રીતે મદદ કરશે તેવા પ્રશ્નના જવાબમાં લાવરોવે કહ્યું કે, રશિયા તમામ પ્રકારની મદદ કરવા તૈયાર છે. અમે અનેક દાયકાઓથી ભારત સાથે સંબંધો વિકસાવ્યા છે. બંને દેશો વચ્ચેના સંબંધો વ્યૂહાત્મક ભાગીદારીનાં છે. આને આધારે તમામ ક્ષેત્રોમાં બંને દેશોએ સહયોગ વિકસાવ્યો છે.
અમેરિકા અને અન્ય દેશોનાં દબાણથી ભારત અને રશિયા વચ્ચેનાં સંબંધો પર કોઈ અસર પડશે નહીં તેવો દાવો પણ
તેમણે કર્યો હતો. તેમણે કહ્યું હતું કે અમે વિશ્વ વ્યવસ્થામાં સંતુલન જાળવવામાં રસ ધરાવીએ છીએ. બંને દેશોએ વૈશ્વિક સામૂહિક ભાગીદારી વિકસાવી છે.
વિવાદોનો ઉકેલ ડિપ્લોમસીઃ જયશંકર
ભારતનાં વિદેશપ્રધાન એસ. જયશંકર અને રશિયાનાં વિદેશપ્રધાન લાવરોવ વચ્ચે દિલ્હીનાં હૈદરાબાદમાં મુલાકાત યોજાઈ હતી. જયશંકરે કહ્યું હતું કે ભારત તમામ વિવાદો ડિપ્લોમસીથી ઉકેલવામાં માને છે. બંને દેશોએ અનેક ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સહયોગ સાધ્યો છે. કોરોના મહામારીનાં સમયમાં બંને દેશો વચ્ચે બેઠક યોજાઈ છે.
રાષ્ટ્રહિતને પ્રાથમિક્તાઃ સીતારમણ
રશિયા અને યૂક્રેનના યુદ્ધ વચ્ચે અમેરિકા તરફી મળી રહેલી ચેતવણીઓને નજર અંદાજ કરતા નાણાંપ્રધાન નિર્મલા સીતારામને જણાવ્યું હતું કે ભારતે રશિયા પાસેથી સસ્તા દરે ક્રૂડ ઓઈલની ખરીદી ચાલું કરી દીધી છે અને રશિયા પાસેથી વધારે ઓઈલ પણ ખરીદશે. તેમણે જણાવ્યું હતું કે મોસ્કો પાસેથી ઓઈલની ખરીદીની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. એક સવાલના જવાબમાં નાણાપ્રધાન સીતારમણે જવાબ આપ્યો હતો કે જ્યારે અમને ડિસ્કાઉન્ટેડ રેટ પર ક્રૂડ ઓઈલ મળી રહ્યું છે ત્યારે અમે કેમ ના ખરીદીએ? તેમણે ઉમેર્યું હતું કે હું રાષ્ટ્રના હિત અને તેની જરૂરિયાતોને પ્રાથમિકતા આપું છું. મોસ્કો તરફથી જો સસ્તા દરે ક્રૂડ ઓઈલ ખરીદીની ઓફર કરવામાં આવશે તો અમે કેમ નહીં ખરીદીએ? ઉલ્લેખનીય છે કે રશિયાએ યૂક્રેન પર આક્રમણ કરતાં અમેરિકાએ તેના પર ઘણા આર્થિક પ્રતિબંધો લાદ્યા છે. અમેરિકાના ડરથી વિશ્વના ઘણા દેશો રશિયા સાથેના વ્યાપારને બંધ કરી ચૂક્યા છે.