વોશિંગ્ટનઃ અમેરિકા રશિયા પાસેથી શસ્ત્રો ન ખરીદવા ભારત પર ઘણા સમયથી દબાણ કરી રહ્યું છે અને તાજેતરમાં અમેરિકાએ ફરી એક વખત ભારતને ચેતાવણી આપી છે. પેન્ટાગોનના ઉચ્ચ અધિકારીએ ભારતને ચેતવણી આપી છે કે જો ભારત રશિયા પાસેથી શસ્ત્રો ખરીદશે તો તો તેમને અમેરિકા પાસેથી મળતી વિશેષ રાહત બંધ કરી દેવાશે.
પેન્ટાગોને ભારત પર દબાણ બનાવવા માટે આ નિવેદન જારી કર્યું છે કે જેથી મોદી સરકાર રશિયા પાસેથી શસ્ત્રો ખરીદવાનું વિચાર ન કરે. આગામી સપ્તાહમાં નવી દિલ્હીમાં અમેરિકા અને ભારત વચ્ચે પ્રથમ ૨+૨ મંત્રણા યોજાવાની છે ત્યારે પેન્ટાગોનની આ ચેતવણીને મહત્ત્વપૂર્ણ ગણવામાં આવી રહી છે. ભારત ૫ અબજના ડોલરના ખર્ચે રશિયા પાસેથી જમીનથી હવામાં ત્રાટકવાની ક્ષમતા ધરાવતી મિસાઇલ વિરોધી પ્રણાલી એસ-૪૦૦ સહિત અન્ય શસ્ત્રોની ખરીદી કરી રહ્યું હોવાથી પેન્ટાગોન ચિંતિત છે.