નવી દિલ્હીઃ ભારતના બ્રહ્મોસ ક્રૂઝ મિસાઇલને દેશના બહ્માસ્ત્ર તરીકે ઓળખવામાં આવે છે. આ સુપરસોનિક ક્રુઝ મિસાઇલ છે. આ મિસાઇલ એટલી ખાસ છે કે ચીનમાં તૈનાત એસ-400 એર ડિફેન્સના કવચને પણ ભેદી શકે છે. પશ્ચિમના દેશો ઉપરાંત કેટલાક ‘નાટો’ દેશો પણ આ મિસાઇલ ખરીદવામાં રુચિ ધરાવે છે.
બ્રહ્મોસ એરોસ્પેસના સીઇઓ અને એમડી અતુલ દિનકરે આ અંગે જાણકારી આપતાં એક મુલાકાતમાં જણાવ્યું હતું કે તેમણે જ્યારે બ્રહ્મોસ મિસાઇલ બનાવવાની તૈયારી કરી હતી ત્યારે વિશ્વમાં એવી કોઇ સંરક્ષણ સિસ્ટમ નહોતી કે જે બ્રહ્મોસનો સામનો કરી શકે. જોકે હવે કેટલાક નવી પ્રભાવશાળી એન્ટિ મિસાઇલ સિસ્ટમ તૈયાર થઇ ચૂકી છે. હાલમાં જૂજ દેશો એસ-400 એર ડિફેન્સ સિસ્ટમ ધરાવતા થયા છે. જોકે બ્રહ્મોસ લોન્ચ થાય તે પછી ટારગેટ લોકેશન સુધી તે ખૂબ જ ઓછા સમયમાં પહોંચે છે. તેથી જમીનથી હવામાં વાર કરવાની ક્ષમતા ધરાવતી સિસ્ટમ માટે બ્રહ્મોસને રોકવું મુશ્કેલ બની રહે છે.
સુપરસોનિક ક્રુઝ મિસાઇલને રોકવાનું ખૂબ જ મુશ્કેલ છે. મિસાઇલ કોઇ પણ રીતે લક્ષ્ય સુધી પહોંચી જાય છે. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે ભારતે બ્રહ્મોસ રશિયા સાથે મળીને તૈનાત કર્યું છે. તો રશિયાએ બ્રહ્મોસને પોતાના સૈન્યમાં સામેલ શા માટે નથી કર્યું? આ પ્રશ્નના જવાબમાં અતુલ દિનકરે જણાવ્યું હતું કે રશિયન પી-800 મિસાઇલ બ્રહ્મોસનું જૂનું વર્ઝન છે. બહ્મોસ તેના કરતાં બહેતર છે.
બ્રહ્મોસનો પહેલો સોદો ફિલીપાઈન્સ સાથે
અતુલ દિનકરે જણાવ્યું હતું કે ભારતે બ્રહ્મોસ વેચવા માટેનો પ્રથમ કોન્ટ્રાક્ટ ફિલીપાઇન્સ સાથે કર્યો હતો. ફિલીપાઇન્સે પોતાના નૌકાદળ માટે બ્રહ્મોસ ખરીદ કર્યા હતા. આ કોન્ટ્રાક્ટ ખૂબ નાનો હતો, પરંતુ શરૂઆત સારી છે. ‘નાટો’ અને પશ્ચિમના દેશો પણ બ્રહ્મોસ ખરીદ કરવામાં રુચિ દાખવી ચૂક્યા છે.