મુંબઈઃ વિશ્વના સૌથી અમીર લોકોમાં જેની ગણના થાય છે તે ફેસબૂકના માલિક માર્ક ઝકરબર્ગ ભારતના કટ્ટર પ્રશંસક બની ગયા છે. ઝકરબર્ગ અગાઉ પણ ભારતની પ્રશંસા કરી ચૂક્યા છે પણ લેટેસ્ટ નિવેદનમાં તેમણે ભારતને વર્લ્ડ લીડર જાહેર કરી દીધું છે. તેમણે જણાવ્યું હતું કે ભારતના લોકો અને કંપનીઓ ટેકનોલોજીને અપનાવવાના મોરચે સૌથી આગળ છે.
મેસેજિંગ પ્લેટફોર્મ વોટ્સએપે એક કાર્યક્રમમાં પેમેન્ટ સોલ્યુશનને લઇને કેટલીક સુવિધાઓની શરૂઆત કરી છે. વોટ્સએપ અને ફેસબૂક હવે મેટા કંપનીનો હિસ્સો છે, જેના સીઇઓ માર્ક ઝકરબર્ગ છે. તેઓ મુંબઈમાં આયોજીત આ કાર્યક્રમને વર્ચ્યુઅલી સંબોધન કરી રહ્યા હતાં. આ સંબોધન દરમિયાન તેમણે ભારત અંગે ઉપરોક્ત ટિપ્પણી કરી હતી.
મેટાના સીઇઓએ ભારતમાં લોકોએ જે રીતે ડિજિટલ પેમેન્ટને અપનાવી લીધું છે તેની ભરપૂર પ્રશંસા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે ભારતના લોકો અને ભારતની કંપનીઓ ટેકનોલોજીને અપનાવવાના મોરચે સૌથી આગળ છે. ભારત એ મોરચે પણ વિશ્વની આગેવાની સંભાળી રહ્યું છે કે વિભિન્ન પ્રકારના કામને પહોંચી વળવા માટે લોકો અને કંપનીઓ કેવા પ્રકારે મેસેજિંગનો ફાયદો ઉઠાવી શકે છે. આ પ્રસંગે વોટ્સએપે પેયુ અને રેઝર પે સાથે હાથ મિલાવવાની જાહેરાત કરી હતી. આ જોડાણથી વોટ્સએપના યૂઝર્સને ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ, નેટ બેન્કિંગ, યુપીઆઈ એપ વગેરેથી પેમેન્ટ કરવાની સુવિધા મળશે.