નવી દિલ્હીઃ માલદિવના વિપક્ષના ઉમેદવાર ઈબ્રાહિમ સોલિહ આશરે ૫૮.૩ ટકા મતોથી વિજયી બની રાષ્ટ્રપતિ થયા છે. છેલ્લા કેટલાક સમયથી માલદિવ અને ભારત વચ્ચેના સંબંધોમાં વિવાદ સર્જાયો હતો અને તેનો ચીને પણ લાભ ઊઠાવવાનો પ્રયાસ કર્યો હતો.
થોડા મહિના પહેલાં જ માલદિવમાં વર્તમાન સરકારે કટોકટી જાહેર કરી દીધી હતી. આ કટોકટી વર્તમાન રાષ્ટ્રપતિ અબ્દુલ્લા યામીને લાગુ કરી હતી. જેને પગલે આ દેશ સમગ્ર વિશ્વમાં ભારે ચર્ચામાં આવી ગયો હતો. આ સ્થિતિ વચ્ચે યોજાયેલી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં વિપક્ષના ઉમેદવાર ઈબ્રાહિમની જીત થઈ છે. ૫૪ વર્ષીય ઈબ્રાહિમ વ્યવસાયે વકીલ છે. તેમણે અંતિમ પરિણામો જાહેર થયા બાદ જ પોતાની જીતની જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે જનતા શું ઈચ્છી રહી છે તે આ પરિણામો પરથી સ્પષ્ટ થઈ ગયું છે. આ જીતનું ભારત અને અમેરિકાએ પણ સ્વાગત કર્યું હતું. ભારતના વિદેશ મંત્રાલય દ્વારા જારી એક નિવેદનમાં જણાવાયું કે અમે ઈબ્રાહિમને આ જીત બદલ શુભકામના પાઠવીએ છીએ. આ માત્ર માલદિવ જ નહીં પણ લોકશાહીની પણ જીત છે. આ જીત બાદ દેશમાં કાયદો અને વ્યવસ્થા વધુ મજબૂત બનશે અને લોકોને તેમના અધિકારો પણ મળશે.
અમેરિકાના વ્હાઈટ હાઉસ દ્વારા જારી એક નિવેદનમાં પણ માલદિવને શુભકામના પાઠવામાં આવી હતી. માલદિવમાં વિપક્ષ પર દમન અને લોકતંત્રનું ગળું દબાવવા બદલ વર્તમાન સરકારની ભારે ટીકા થઈ રહી હતી. આ સ્થિતિ વચ્ચે માલદિવમાં મોટા ફેરફાર સર્જાયા છે. જેની અસર ભારત પર પડશે. ભારત માલદિવને કટોકટી સમયે હંમેશા મદદરૂપ થયું છે. રાજીવ ગાંધીની સરકાર હતી ત્યારે, પણ માલદિવમાં જ્યારે કટોકટી જાહેર કરાઈ ત્યારે બળવાખોરોને પહોંચી વળવા માટે રાજીવ ગાંધીએ સૈન્ય મોકલ્યું હતું અને સ્થિતિને કાબૂમાં કરી લીધી હતી. જેને પગલે ભારત અને આ નાના દેશ વચ્ચેના સંબંધો વધુ મજબૂત બન્યા હતા.
આ જીત બાદ ભારત માલદિવના નવા રાષ્ટ્રપતિને આમંત્રણ આપે તેવી શક્યતાઓ છે. જ્યારે કટોકટી જાહેર કરવામાં આવી ત્યારે પણ ઈબ્રાહિમે ભારત પાસે મદદ માગી હતી. જોકે તે સમયે ચીને પણ આ વિવાદમાં ઝંપલાવ્યું હતું અને કોઈપણ દેશ આ મામલે દખલ ન દે તેવી ધમકી આપી હતી. આથી આ ચીન પર પણ એક રીતે તમાચો છે.