વોશિંગ્ટનઃ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ભારત સાથે સંબંધો મજબૂત કરવાના મામલે અમેરિકાના અન્ય કોઇ રાષ્ટ્રપતિથી આગળ હોવાનો વ્હાઈટ હાઉસે દાવો કર્યો છે. વ્હાઈટ હાઉસના એક અહેવાલમાં જણાવાયું છે કે, છેલ્લા ત્રણ વર્ષોમાં ટ્રમ્પે ઘણા ક્ષેત્રોમાં ભારત સાથે સંબંધો વિકસિત કર્યાં છે. ટ્રમ્પના શાસનકાળમાં જ અમેરિકાએ કોઇ કરાર વિના આર્મ્ડ MQ-9 અનમેન્ડ એરિયલ સિસ્ટમ આપી છે. આવનારા દિવસોમાં ટ્રમ્પ ભારત સાથે સંબંધો વધુ ગાઢ બનાવવા માટે કામ કરતા રહેશે.
વ્હાઇટ હાઉસના જણાવ્યા પ્રમાણે ભારત અને અમેરિકા કોરોના મહામારી પછી સાથે આવ્યા છે. બંને દેશની ફાર્મા કંપનીઓએ વિશ્વભરમાં દવાઓનો ગ્લોબલ સપ્લાય ચાલુ રાખ્યો છે. વેક્સિન તૈયાર કરવા માટે પણ બંને દેશની કંપનીઓ સાથે કામ કરે છે. વ્હાઇટ હાઉસ સિક્યોરિટી કાઉન્સિલના સિનિયર અધિકારીએ ન્યૂઝ એજન્સી PTIને આપેલા ઇન્ટરવ્યુમાં આ વાત કહી હતી.
ભારતને હથિયાર આપનાર બીજો સૌથી મોટો દેશ
વ્હાઇટ હાઉસ સિક્યોરિટી કાઉન્સિલે જણાવ્યું છે કે, ટ્રમ્પશાસનમાં અમેરિકા ભારતને હથિયાર આપનાર બીજો સૌથી મોટો દેશ છે. એક દાયકા પહેલા બંને દેશો વચ્ચે હથિયારના સોદા થતા નહોતા, પરંતુ ટ્રમ્પના આવ્યા બાદ અમેરિકાએ ભારતને ૨૦ અબજ ડોલર (આશરે રૂ. ૧૪૯૦ હજાર કરોડ)ના હથિયાર વેચ્યા છે. આ વર્ષે અત્યાર સુધીમાં ૩ અબજ ડોલરના હથિયારોનો સોદો થયો છે. તે અંતર્ગત અમેરિકા ભારતને MH-60 આર નેવલ હેલિકોપ્ટર અને AH-64 અપાચે હેલિકોપ્ટર આપશે.
ટ્રમ્પ - મોદીના પ્રવાસોથી મિત્રતા ગાઢ બની
ટ્રમ્પ અને ભારતના વડા પ્રધાન મોદીએ એકબીજાના દેશનો પ્રવાસ કર્યો છે. તેનાથી બંને દેશ વચ્ચે મિત્રતા ગાઢ બની હોવાનો દાવો પણ વ્હાઈટ હાઉસે કર્યો છે. ટ્રમ્પ રાષ્ટ્રપતિ બન્યા ત્યારબાદ ૨૬ જૂન ૨૦૧૭ના રોજ મોદી વ્હાઇટ હાઉસ આવ્યા હતા. સપ્ટેમ્બર ૨૦૧૯માં મોદીએ હ્યુસ્ટનમાં ‘હાઉડી મોદી’ કાર્યક્રમમાં ભાગ લીધો હતો જેમાં ૫૫ હજારથી વધુ લોકો હાજર હતા. ફેબ્રુઆરી ૨૦૨૦માં ગુજરાતમાં ટ્રમ્પ ‘નમસ્તે ટ્રમ્પ’ કાર્યક્રમ હતો જ્યાં ટ્રમ્પે લગભગ ૧૧ લાખ લોકોને સંબોધિત કર્યા હતા. આ કાર્યક્રમથી ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધોમાં મજબૂતી આવી હતી.
તાજેતરમાં ટ્રમ્પે પણ એક નિવેદનમાં કહ્યું હતું કે, ભારતીયો તેની સાથે છે અને તેઓ ભારતીયોની સાથે છે.