ઇસ્લામાબાદઃ પાક.નાં આર્મી ચીફ જનરલ બાજવાએ સુફિયાણી સલાહ આપતું નિવેદન કરીને સૌને ચોંકાવી દીધા છે. તેમણે કહ્યું છે કે ભારત સાથેનાં તમામ વિવાદો વાટાઘાટો દ્વારા શાંતિપૂર્ણ રીતે ઉકેલી શકાય તેમ છે. બાજવાએ કહ્યું હતું કે પાકિસ્તાન કાશ્મીર સહિત તમામ વિવાદિત મુદ્દા રાજકીય રીતે મંત્રણાથી ઉકેલવામાં માને છે. જેથી આ વિસ્તારને સળગતી આગથી મુક્ત કરી શકાય. તેમણે ઇસ્લામાબાદ સિક્યોરિટી ડાયલોગમાં આ નિવેદન કર્યું હતું. બાજવાએ કહ્યું કે ગલ્ફનાં દેશો સહિત ત્રીજા ભાગનાં વિશ્વમાં ઘર્ષણ અને યુદ્ધનું વર્ચસ્વ છે ત્યારે આપણા વિસ્તારોને આગની જ્વાળાથી મુક્ત રાખવાનું જરૂરી છે. બાજવાએ સંકેતો આપ્યા હતા કે પાકિસ્તાન માટે કાશ્મીર ઉપરાંત ઇન્ડો-ચાઈના બોર્ડર વિવાદ મહત્ત્વનો છે. બાજવા આડકતરી રીતે ભારત, પાકિસ્તાન અને ચીન વચ્ચે ત્રિપક્ષીય મંત્રણા યોજવા માંગે છે. જોકે આ દિશામાં ભારતનાં નેતાઓનું ચુસ્ત વલણ અવરોધક હોવાનો ઉલ્લેખ કર્યો હતો.