નવી દિલ્હીઃ જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ ૩૭૦ને નાબૂદ કરવામાં આવ્યા બાદ પાકિસ્તાને એકતરફી રીતે ભારત સાથેનો વેપાર બંધ કરવાનો નિર્ણય લીધો હતો, પણ એનું આ પગલું તેને ભારે પડયું છે અને એક જ મહિનામાં તેના તેવર ઢીલાં પડયાં છે. પાકિસ્તાનમાં જીવનરક્ષક દવાઓની અછત ઊભી થતાં ૩જીએ પાકિસ્તાને ભારત સાથેના આંશિક વેપારને ખોલવાની મંજૂરી આપી છે. ખાવા પીવાના સામાન સિવાય દવાઓ માટે પાકિસ્તાન ભારત પર નિર્ભર છે. પાકિસ્તાનના જીયો ટીવીના અહેવાલો મુજબ પાકિસ્તાનની ઇમરાન ખાન સરકારે ભારત સાથે વેપાર ફરી શરૂ કરવાનો નિર્ણય લીધો છે. જોકે હાલમાં પાકિસ્તાન ભારત પાસેથી દવાઓ અને જરૂરી સામાન જ આયાત કરશે. પાકિસ્તાનના કોમર્સ મંત્રાલયે આ સંદર્ભમાં આદેશ જારી કર્યો છે.