નવી દિલ્હીઃ ભારત અને સિંગાપોરની સરકારોએ બંને દેશના લોકો વચ્ચેના વ્યવહારોનો સેતુ મજબૂત કરવાના હેતુ સાથે મંગળવારથી રિયલ ટાઇમ પેમેન્ટ સિસ્ટમ યુપીઆઇ સેવા શરૂ કરી છે. બંને દેશના વડા પ્રધાન આ સુવિધાના પ્રારંભના સાક્ષી બન્યા હતા.
ભારત તરફથી યુપીઆઇ અને સિંગાપોર તરફથી પેલાઉ દ્વારા સાથે મળીને આ યોજના અમલમાં મૂકાઇ છે. આ હાઈટેક પેમેન્ટ સિસ્ટમની મદદથી ઓછા ખર્ચમાં અને વધુ ઝડપથી પૈસા એકબીજાને આપી શકાશે. મંગળવારે વીડિયો કોન્ફરન્સિંગ મારફતે બંને દેશોના વડા પ્રધાને આ યોજના લોન્ચ કરી હતી.
ઉલ્લેખનીય છે કે સિંગાપોરમાં મોટી સંખ્યામાં ભારતીયો વસે છે. ભારત વતી રિઝર્વ બેન્ક ઓફ ઇંડિયાના ગવર્નર શક્તિકાંત દાસ અને સિંગાપો૨ વતી મોનિટરી ઓથોરિટી ઓફ સિંગાપોરના મેનેજિંગ ડિરેક્ટર વિ. મેનન જોડાયા હતા. ભારતથી ગયેલા છાત્રો, કામદારો ઉપરાંત ભારત સાથે જોડાયેલા સંબંધીઓ, કારોબારીઓને આ હાઇટેક પેમેન્ટ સિસ્ટમનો લાભ થશે.