દાવોસઃ ભારતીય રિઝર્વ બેંકના પૂર્વ ગવર્નર રઘુરામ રાજને કહ્યું છે કે ભારતીય અર્થવ્યવસ્થા સમયાંતરે ચીનની અર્થવ્યવસ્થાને પાછળ પાડી દેશે. અને અર્થવ્યવસ્થાના કદના હિસાબે ચીનથી આગળ નિકળી જશે. દાવોસમાં વર્લ્ડ ઇકોનોમિક ફોરમમાં ‘Strategic Outlook for South Asia’ સત્રને સંબોધન કરતા તેમણે કહ્યું હતું કે આજે ભલે ભારતની સરખામણીએ ચીન ઘણું આગળ છે, પરંતુ એક દિવસ તે પાછળ હશે. રાજને કહ્યું કે, ચીને દક્ષિણ એશિયાના દેશોમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર નિર્માણનું વચન આપ્યું છે પરંતુ, ભારત આવા માળખાના નિર્માણની બાબતે ચીનથી વધુ સારી સ્થિતિમાં હશે.
પૂર્વ ગવર્નર રાજને કહ્યું હતું કે,‘ ઐતિહાસિક દૃષ્ટિએ પણ આ વિસ્તારમાં ભારતની મોટી ભૂમિકા રહી હતી પરંતુ, ભારતની તુલનામાં ચીન હવે ઘણું આગળ નિકળી ગયું છે. તે આ ક્ષેત્રમાં ભારતના સમાન હરીફ તરીકે આગળ વધ્યું છે. સમય જતાં ભારત તેનાથી વધુ મોટું બનશે કારણકે ચીનની ગતિ મંદ પડશે અને ભારતની વૃદ્ધિ થતી રહેશે. ચીન દક્ષિણ એશિયાના દેશોમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર નિર્માણનું વચન આપે છે પરંતુ, ભારત આ બાબતે સારી સ્થિતિમાં રહેશે. જોકે, આ સ્પર્ધા ક્ષેત્રીય વિકાસ માટે સારી છે અને તેનો લાભ ચોક્કસ મળશે.’ ચીન આ ક્ષેત્રમાં નેપાળ અને પાકિસ્તાન સહિત દેશોમાં માળખાકીય પ્રોજેક્ટ્સ પર કામ કરી રહ્યું છે ત્યારે રાજનની આ ટીપ્પણીઓ આવી છે. વર્લ્ડ બેન્કના ડેટા અનુસાર ૨૦૧૭માં ચીન ૧૨.૨૩ ટ્રિલિયન ડોલરના જીડીપી સાથે વિશ્વમાં બીજા ક્રમનું અર્થતંત્ર હતું જ્યારે, ભારત ૨.૫૯ ટ્રિલિયન ડોલરના જીડીપી સાથે વિશ્વમાં છઠ્ઠા ક્રમે હતું. ઈન્ટરનેશનલ મોનેટરી ફંડે પણ કહ્યું છે કે ભારતીય અર્થવ્યવસ્થાનો વૃદ્ધિદર ૨૦૧૯માં ૭.૫ ટકા અને ૨૦૨૦માં ૭.૭ ટકા રહેવાનું અનુમાન છે જ્યારે, ચીનનો વૃદ્ધિદર ૨૦૧૯ અને ૨૦૨૦માં ૬.૨ ટકા રહી શકે છે.