કુઆલાલમ્પુર: મલેશિયાની એક ટોચની યુનિવર્સિટીએ ભારતના રહેનારા હિંદુઓને ડર્ટી અને અનક્લિન ગણાવ્યા છે. આ અંગેનું ટીચિંગ મોડ્યુલ ઓનલાઈન પ્રકાશિત થયા બાદ આ મામલે ખૂબ મોટો હોબાળો મચ્યો છે. તેનાથી અહીં વસતા લઘુમતી હિંદુઓમાં ખાસ્સી નારાજગી જોવા મળી છે. મુસ્લિમ બહુમતી ધરાવતા મલેશિયાની યુટીએમ યુનિવર્સિટીએ પોતાના ટીચિંગ મોડ્યુલ ઓનલાઈન પોસ્ટ કર્યું હતું. તેમાં દાવો કરવામાં આવ્યો છે કે, ભારતના હિંદુ લોકો શરીર પર લગાવેલી ગંદકીને નિર્વાણ પ્રાપ્ત કરવાના ધાર્મિક માર્ગ ગણાવે છે.
મોડ્યુલમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે ઇસ્લામે જ ભારતમાં સભ્યતાને રજૂ કરી હતી અને અહીંના લોકોને સભ્ય બનાવ્યા હતા. આ મોડ્યુલની એક સ્લાઈડમાં શીખો પર પણ સવાલ ઊભા કરાયા છે. આ મામલે વિવાદ થયા બાદ યુનિવર્સિટીએ જણાવ્યું હતું કે, તેઓ તેમના ટીચિંગ મોડ્યુલની સમીક્ષા કરશે. ડેપ્યુટી એજ્યુકેશન મિનિસ્ટર પી. કમલનાથન દ્વારા આ મામલે વિરોધ વ્યક્ત થયા બાદ યુનિવર્સિટી મેનેજમેન્ટે આ નિર્ણય લીધો છે.
ભારતીય મૂળના પ્રધાન કમલનાથને પોતાની ફેસબુક પોસ્ટમાં જણાવ્યું છે કે, ‘મોડ્યુલમાં જરૂરી ફેરફારો ઝડપથી કરવામાં આવે. અધિકારીઓ મારી સલાહ માની રહ્યા છે અને તેમણે વાયદો કર્યો છે કે હવે પછીથી આવી ભૂલ નહીં થાય.’
તેમણે એમ પણ જણાવ્યું હતું કે, આ મોડ્યુલને જાણી જોઈને ખોટું બનાવવામાં આવ્યું હતું. તેમાં ધર્મોને ખોટી રીતે રજૂ કરાયા હતા. આ સાથે જ તેમણે હિંદુઓને શાંત રહેવાની પણ અપીલ કરી છે. કમલનાથે સ્ટડી મોડ્યુલનો તજજ્ઞો દ્વારા રિવ્યૂ કરાશે તેમ પણ જણાવ્યું હતું.