અફઘાનિસ્તાનમાંથી અમેરિકન સૈનિકોની ઘરવાપસી પછી સમગ્ર મધ્ય એશિયા અને ખાસ કરીને ભારત-પાકિસ્તાનના સંબંધમાં મોટા ફેરફાર થઈ શકે છે. આ બંને દેશના સંબંધમાં પ્રત્યક્ષ નહીં, તો અપ્રત્યક્ષ રીતે પણ અમેરિકાની ભૂમિકા મહત્ત્વની રહી છે. કારગિલ યુદ્ધ વખતે ભારતીય સેનાની અસામાન્ય હિંમત અને આક્રમક અભિગમથી ગભરાયેલા પાકિસ્તાનના ઈરાદા પર અમેરિકાના કડક વલણે પણ ઘણી અસર કરી હતી. આવું કહેવું છે, ત્રણ દસકા સુધી અમેરિકાના રાજદૂત રહેલા ટેરેસિટા શેફરનું. શેફર શ્રીલંકાના રાજદૂત પણ રહી ચૂક્યા છે. તેઓ ભારત-પાકિસ્તાન સંબંધના નિષ્ણાત મનાય છે. એક દૈનિક સાથેની વાતચીતમાં તેમણે ૧૯૯૯ની ઘટનાઓ પર વિગતવાર વાત કરી હતી. તેમની આ વાતચીતના અંશો...
‘મને સારી રીતે યાદ છે ૪ જુલાઈ, ૧૯૯૯નો એ દિવસ. ત્યારે પાકિસ્તાનના વડા પ્રધાન નવાઝ શરીફ અમેરિકન પ્રમુખ બિલ ક્લિન્ટનને મળવા આવ્યા હતા. તેઓ કારગિલ યુદ્ધમાં અમેરિકાની મદદ ઈચ્છતા હતા. અમેરિકામાં ૪ જુલાઈ સ્વાતંત્ર્ય દિન તરીકે ઉજવાય છે અને આશ્ચર્યની વાત છે કે, પ્રમુખ ક્લિન્ટને એ અડધો દિવસ શરીફ સાથે વીતાવ્યો હતો. શરીફ ઈચ્છતા હતા કે, અમેરિકા તેમની મદદ કરે. ક્લિન્ટને સ્પષ્ટ કહ્યું હતું કે, પહેલા પાકિસ્તાને કારગિલમાંથી સૈનિકો હટાવવા પડશે અને પછી જ કોઈ વાતચીત થશે. આ દરમિયાન ભારતીય સેનાની કડકાઈથી પાકિસ્તાનનું મનોબળ, લગભગ પહેલેથી જ તૂટી ગયું હતું.
અમેરિકા સામે સૌથી મોટો પ્રશ્ન એ હતો કે, ક્યાંક આ યુદ્ધ પરમાણુ યુદ્ધમાં પરિવર્તિત ન થઈ જાય. કારગિલ યુદ્ધ વખતે હું એક થિંક ટેન્ક માટે કામ કરતી હતી. આથી મારે વિદેશ વિભાગ સાથે સતત સંપર્કમાં રહેવું પડતું હતું. તત્કાલીન પાકિસ્તાની રાજદૂતે મને પૂછ્યું હતું કે, શરીફ સાથે બેઠક પછી અમેરિકન પ્રેસનોટ શું કહે છે. મેં કહ્યું કે, અર્થ ફક્ત એટલો જ છે કે, પાકિસ્તાને કોઈ શરત વિના એલઓસીથી પાછળ હટવું પડશે. પાકિસ્તાન ચક્તિ હતું કે, અમેરિકાએ સાથ ના આપ્યો, જ્યારે ભારત એટલે ચક્તિ હતું કે અમેરિકા તથ્યોના આધારે પાકિસ્તાનની વિરુદ્ધ હતું.
પરિણામે શરીફ અને જનરલ પરવેઝ મુશર્રફ વચ્ચેનો તણાવ પણ ચરમસીમાએ હતો. આશ્ચર્ય તો મને પણ થયું, જ્યારે પાકિસ્તાન ફોરેન ઓફિસના ઉચ્ચ અધિકારીએ મને કહ્યું કે, નવાઝ શરીફને પણ કારગિલ યુદ્ધ વિશે પૂરતી માહિતી નહોતી અપાઈ કારણ કે, મામલો સંવેદનશીલ હતો. આ પછી અમને ખબર પડી કે, શરીફ પોતાના પરિવાર સાથે અમેરિકા આવી રહ્યા છે. ત્યારે અમને સમજતા વાર ના લાગી કે, અમેરિકાનો સાથ નહીં મળવાથી શરીફને ખુરશી ગુમાવવાનો ડર છે. તેમનો ડર એકદમ સાચો સાબિત થયો. પાકિસ્તાન છોડી દીધા પછી તેમનો પરિવાર સુરક્ષિત હતો, પરંતુ મુશર્રફે નવાઝને કેદ કરી લીધા હતા.
ક્લિન્ટન વાજપેયીને ફોન
પર સમાચાર આપતા હતા
પાકિસ્તાનના હવાલાથી સમાચાર હતા કે, શરીફ છ દિવસ ચીનમાં રહેશે. અમને બધાને આશ્ચર્ય થયું કે, યુદ્ધના માહોલ વચ્ચે નવાઝ શરીફ છ દિવસ ચીનમાં શું કરશે. ચીને પણ પાકિસ્તાનની મદદ ના કરી. છેવટે નવાઝ શરીફની ચીન યાત્રાનો દોઢ દિવસમાં અંત આવ્યો. આ પછી તેઓ અમેરિકા આવ્યા. ભારત, ચીન, યુરોપ બધા વાજપેયીના પક્ષમાં હતા. તેમનું કહેવું હતું કે, ભારત સીઝફાયર ત્યારે જ કરશે, જ્યારે પાકિસ્તાની સેના પાછળ હટશે.
નવાઝ શરીફ સાથે થતી વાતચીત દરમિયાન પણ ક્લિન્ટન વાજપેયીને ફોન પર સમાચાર આપતા રહેતા હતા. છેવટે ૨૬ જુલાઈ સુધી પાકિસ્તાનનો દરેક સૈનિક ભારત છોડી ચૂક્યો હતો. તેની અસર એ હતી કે, મુશર્રફે શરીફને કેદ કરીને સત્તા આંચકી લીધી હતી. કારગિલ યુદ્ધનું પરિણામ એ આવ્યું કે, ભારત-અમેરિકાના સંબંધ વધુ મજબૂત થયા. આજે અમેરિકન સેના અફઘાનિસ્તાનમાં નથી. તે અફઘાનિસ્તાન જ નહીં, પાકિસ્તાન માટે પણ સંકટનો સમય છે.