મનીલા (ફિલિપાઇન્સ)ઃ ભારતના માનવાધિકાર કાર્યકર્તા ટી. એમ. કૃષ્ણ અ–ે બેજવાડા વિલ્સનની વર્ષ ૨૦૧૬ના રેમન મેગ્સેસે એવોર્ડ માટે પસંદગી થઇ છે. કૃષ્ણા કર્ણાટક શાસ્ત્રીય સંગીતકાર અને ગાયક છે. જ્યારે વિલ્સન સફાઇ કર્મચારી આંદોલન સાથે સંકળાયેલા છે. કૃષ્ણાને શાસ્ત્રીય સંગીતને સમાજના તમામ સ્તર સુધી પહોંચાડવા માટે એવોર્ડ આપવામાં આવશે. કૃષ્ણા જાહેર કરી ચૂક્યા છે કે લોકોને જ્યાં ટિકિટ ખરીદવી પડે તેવા કાર્યક્રમમાં તેઓ ભાગ નહીં લે. વિલ્સન સફાઇ કર્મચારી આંદોલનના રાષ્ટ્રીય કન્વીનર છે. એક અંદાજ વિલ્સને ભારતમાં માથે મેલું ઉપાડવાનું કામ કરતા છ લાખ લોકોમાંથી ત્રણ લાખને આમાંથી મુક્તિ અપાવી છે. ૫૦ વર્ષના વિલ્સન વીતેલાં ૩૨ વર્ષોથી આ આંદોલન ચલાવી રહ્યા છે.
એશિયાના સૌથી પ્રતિષ્ઠિત એવોર્ડથી અત્યાર સુધીમાં ૫૩ ભારતીયો સન્માનિત થયા છે. વિલ્સન 'સફાઈ કર્મચારી આંદોલન'ના સંયોજક છે જ્યારે કૃષ્ણા કર્ણાટકી શાસ્ત્રીય સંગીતકાર અને ગાયક છે. બંનેના સંઘર્ષપૂર્ણ પ્રવાસની એક ઝાંખીઃ
બેજવાડા વિલ્સન
ત્રણ લાખ લોકો પાસેથી મેલું ઉપાડવાનું છોડાવ્યું, વિરોધમાં કાયદો ઘડાવ્યો
દલિત પરિવારમાં જન્મેલા વિલ્સનનો પારિવારિક વ્યવસાય મેલું ઉઠાવવાનો હતો. વિલ્સનને ખબર પડી કે અભ્યાસ કર્યા બાદ પણ તેણે કામ કરવું પડશે. હેરાન થઈ ગયા હતા. મનમાં આત્મહત્યાનો પણ વિચાર આવ્યો. વિલ્સનનાં માતા-પિતા મેલું ઉઠાવવાનું કામ કરતાં હતાં. પોલિટિકલ સાયન્સમાં ગ્રેજ્યુએટ વિલ્સન તેમના પરિવારમાં આટલો અભ્યાસ કરનાર એક માત્ર વ્યક્તિ છે. વિલ્સન જણાવે છે કે ૨૦ વર્ષનો થતાં મેં મારી સફાઈ કર્મચારી કોલોનીના બાળકોને ભણાવવાનું શરૂ કર્યું. હું જાણતો હતો કે બાળકો અંતે સ્કૂલ શા માટે છોડી રહ્યા હતા. તર્ક હતો કે તેઓ જે કામ કરતા હતા, તેના માટે દારૂ પીવો જરૂરી હતો. હકીકતમાં તે મેલું ઉઠાવતા હતા. નિર્ણય કર્યો કે તેના માટે કશુંક કરવું પડશે. ૧૯૮૬માં વિલ્સને ભારતમાં માથા પર મેલું ઉઠાવવાનું કામ ખતમ કરવાનો નિર્ણય લીધો. આ માટે તેમણે એક આંદોલન શરૂ કર્યું. ૧૯૯૩માં સરકારે મેલું ઉઠાવવાની પરંપરા વિરુદ્ધ કાયદો બનાવ્યો. દેશમાં માથા પર મેલું ઉઠાવનારા અંદાજે છ લાખ લોકોમાંથી લગભગ ત્રણ લાખને વિલ્સને કામમાંથી મુક્તિ અપાવી છે.
ટી. એમ કૃષ્ણા
નક્કી કર્યું છે કે લોકોએ જ્યાં ટિકિટ લેવી પડે ત્યાં ક્યારેય ગાઇશ નહીં
૧૯૭૬માં ચેન્નઇમાં જન્મેલા કૃષ્ણા કર્ણાટકી સંગીતના ગાયક છે. તેમણે છ વર્ષની ઉંમરે બી. સીતારામ શર્મા પાસેથી સંગીત શીખવાનું શરૂ કર્યું હતું. ૧૨ વર્ષના હતાં ત્યારે પહેલો કાર્યક્રમ કર્યો હતો. કૃષ્ણાએ ૧૯૯૭માં સંગીતા શિવકુમાર સાથે લગ્ન કર્યાં. સંગીતા પણ કર્ણાટકી સંગીતની જાણકાર છે. પિતા બિઝનેસમેન છે અને માતા એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ્સ ચલાવે છે. કર્ણાટકના શાસ્ત્રીય સંગીતને સમાજના દરેક વર્ગ સુધી પહોંચાડવા બદલ કૃષ્ણાને રેમન મેગ્સેસે સન્માન અપાશે - ખાસ કરીને સંગીતને દલિતો અને બિનબ્રાહ્મણો વચ્ચે લઇ જવા બદલ. કૃષ્ણા એ વાત માટે પણ ઓળખાય છે કે એક વાર તેમણે ઘોષણા કરી હતી કે તેઓ એવા એકેય કાર્યક્રમમાં નહીં ગાય કે જ્યાં લોકોએ ટિકિટ લેવી પડે. તેમણે સંગીત પર લખેલું પુસ્તક 'અ સધર્ન મ્યુઝિક - કર્નાટીક સ્ટોરી' ખૂબ પ્રસિદ્ધ થયું. કૃષ્ણા ૧૯૯૦માં શાસ્ત્રીય સંગીત યુવા સંઘના અધ્યક્ષ બન્યા, જેમણે કર્ણાટકી સંગીતને યુવાનો તથા સરકારી સ્કૂલો સુધી પહોંચાડ્યું.