નવી દિલ્હીઃ ચીન હવે ભારતના બ્રોકન રાઈસ (કણકી)ના સૌથી મોટા આયાતકાર તરીકે ઉભર્યું છે. અગાઉ ભારતમાંથી આવા બ્રોકન રાઈસની આફ્રિકાના દેશોમાં નિકાસ કરાતી હતી. કોરોનાકાળમાં ચીન દ્વારા ભારતમાંથી 16.34 લાખ મેટ્રિક ટન ભારતીય રાઈસ આયાત કરાયા હતા, જે ભારતની કુલ નિકાસના 7.7 ટકા છે. ભારતમાંથી વર્ષ 2021-22માં 212.10 લાખ મેટ્રિક ટન ચોખાની નિકાસ કરાઇ હતી. ચીન દ્વારા ભારતમાંથી ચોખાની જે કુલ આયાત કરાયેલી તેમાંથી 16.34 લાખ મેટ્રિક ટન ચોખા બ્રોકન હતા એટલે કે કણકી સ્વરૂપના હતા. આમ ચીનમાં ભારતના બ્રોકન રાઈસની માંગ વધી છે. ચીન દ્વારા ભારતના બ્રોકન રાઈસનો ઉપયોગ નૂડલ્સ તેમજ વાઈન બનાવવામાં કરાય છે. ભારતમાંથી 2021-22માં બાસમતી અને નોન-બાસમતી ચોખાની 212.10 લાખ મેટ્રિક ટન નિકાસ કરાઇ હતી. જે આગલા વર્ષ કરતાં 19.30 ટકા વધુ હતી. ભારતમાંથી 2020-21માં 177.79 લાખ મેટ્રિક ટન ચોખાની નિકાસ કરાઈ હતી.