સેશલ્સઃ સેશલ્સમાં મિલિટરી બેઝ બનાવવાની ભારતની યોજના મુશ્કેલીમાં પડે એવા સંકેત મળી રહ્યા છે. સમાચાર મુજબ ૨૦મી માર્ચે વિપક્ષી દળોનાં ગઠબંધન લિન્યોન ડેમોક્રેટિક સેસેલ્વાએ કહ્યું છે કે તે ભારત સાથેના આ અંગેના કરારને સંસદમાં મંજૂરી નહીં આપે. આ મોરચાના પ્રમુખ વાવેલ રામક્લાવને કહ્યું કે, આ કરાર ખતમ થઈ ગયા છે. સેશલ્સની સંસદમાં આ જ વિપક્ષ મોરચાની બહુમતી છે. રિપોર્ટ મુજબ આ મહિનાની શરૂઆતમાં આ કરારની ગુપ્ત માહિતી લીક થઈ ગઈ હતી. તેના આધારે એવો આરોપ લગાવાતો હતો કે સેશલ્સે પોતાનો અજંપશન દ્વીપ ભારતને વેચી દીધો છે. એ રિપોર્ટ લીક થયા બાદ સંસદમાં સેશલ્સના રાષ્ટ્રપતિ ડેની ફોરે કહ્યું હતું કે, અજંપશન દ્વીપ સેશલ્સ અને સેશલ્સવાસીઓનો છે. તેની જમીન ન તો ભારતને વેચી શકાય કે ન લીઝ પર આપી શકાય.
રૂ. ૩,૫૮૬ કરોડનું રોકાણ
સેશલ્સની સાથે આ કરાર હેઠળ મિલિટરી બેઝ બનાવવા માટે ભારતે લગભગ રૂ. ૩,૫૮૬ કરોડનું રોકાણ કરવાનું છે. દક્ષિણ હિંદ મહાસાગરમાં ભારતીય જહાજોને સુરક્ષા આપવા અને ચીન દ્વારા જિબૂટીમાં સ્થાપિત સૈન્ય છાવણીને લઈને સંતુલન કાયમ કરવાની દ્વષ્ટિએ જરૂરી મનાય છે. મોદીની સેશલ્સયાત્રા દરમિયાન આ અંગે જાહેરાત થઈ હતી.