ઈસ્લામાબાદઃ કાશ્મીર પર સતત ભારત વિરુદ્ધ નિવેદનો કરનારા ઈસ્લામિક સહયોગ સંગઠન (ઓઆઈસી)ના એક પ્રતિનિધિમંડળે ભારતના વિરોધ છતાં તાજેતરમાં જ અંકુશ રેખા (એલઓસી)ની મુલાકાત લીધી હતી. આ સંગઠને એક પ્રતિનિધિમંડળે પાકિસ્તાની સૈન્યના અધિકારીઓ સાથે મુલાકાત કરી હતી. ઓઆઈસીના એક પ્રતિનિધિ મંડળે તાજેતરમાં પાકિસ્તાને પચાવી પાડેલા કાશ્મીર (પીઓકે) અને પીઓકેના પાટનગર મુઝફ્ફરાબાદનો પ્રવાસ કર્યો હતો.
ભારત સતત કહેતું રહ્યું છે કે કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીરના મુદ્દા પર ઓઆઈસીને બોલવાનો અધિકાર નથી. આ પ્રતિનિધિમંડળ પીઓકેમાં નેતાઓને પણ મળ્યું અને તેણે અંકુશ રેખાના ચિરિકોટ સેક્ટરનો પ્રવાસ કર્યો હતો.
પ્રતિનિધિમંડળમાં ઓઆઈસીના સહાયક મહાસચિવ તારિક અલી બખીત, ઓઆઈસીના કાશ્મીર અંગેના વિશેષ દૂત યુસુફ એલ્ડોબે અને મોરક્કો, સુદાન, સાઉદી અરબ અને માલદીવના વરિષ્ઠ નેતાઓ સામેલ હતા.
પ્રતિનિધિ મંડળે પીઓકેમાં ઓલ પાર્ટીસ હુર્રિયત કોન્ફરન્સ સાથે કાશ્મીરની સ્થિતિ અંગે ચર્ચા કરી હતી. એલ્ડોબેએ ભારત વિરુદ્ધ ઝેર ઓકતા કહ્યું કે, ઓઆઈસી કાશ્મીરીના આત્મનિર્ણયના અધિકારનું સમર્થન કરશે. અમે ઓઆઈસીની આગામી બેઠકમાં આ વિસ્તારની સ્થિતિ પર એક રિપોર્ટ પણ તૈયાર કરી રહ્યા છે.