સંયુક્ત રાષ્ટ્રઃ ભારતનાં વિકાસ અર્થશાસ્ત્રી અને સંયુક્ત રાષ્ટ્રમાં વર્ષોથી રાજદ્વારી તીરકે ફરજ બજાવતા સત્યા ત્રિપાઠીને યુએનમાં બીજા નંબરનું મહત્ત્વનું પદ મળ્યું છે. તેઓ સંયુક્ત રાષ્ટ્ર પર્યાવરણ કાર્યક્રમ માટે આસિસ્ટન્ટ સેક્રેટરી જનરલ નિમાયા છે. સંયુક્ત રાષ્ટ્રનાં સેક્રેટરી જનરલ એન્ટોનિયો ગુટારેસ દ્વારા તેમની નિયુક્તિ કરાઈ હતી. સત્યા ત્રિપાઠી ટ્રિનિદાદ અને ટોબેગોનાં એલિયટ હેરિસના સ્થાને હવે નવી પણ મહત્ત્વની જવાબદારી નિભાવશે. તેઓ ૨૦૧૭થી યુએનઈપી વરિષ્ઠ સલાહકાર હતા. યુએન મહાસચિવનાં પ્રવકતા સ્ટીફન ડુજારિકે કહ્યું હતું કે વિકાસ અર્થશાસ્ત્રી અને વકીલનાં રૂપમાં ૩૫ વર્ષથી વધુ અનુભવ ધરાવનાર ત્રિપાઠી ૧૯૯૮થી સંયુક્ત રાષ્ટ્ર સાથે જોડાયેલા છે.
તેઓ યુરોપ, એશિયા અને આફ્રિકામાં વિકાસ, માનવ અધિકારો અને લોકતાંત્રિક વહીવટ અને કાનૂની બાબતોનો બહોળો અનુભવ ધરાવે છે. સંયુક્ત રાષ્ટ્ર પર્યાવરણ કાર્યક્રમ એ વૈશ્વિક સંસ્થાની મુખ્ય એજન્સી છે. જે અન્ય સંસ્થાઓ સાથે મળીને પર્યાવરણની સુરક્ષાનાં કાર્યો કરે છે.