ભારતના ૬૩ અબજોપતિની સંપત્તિ દેશના બજેટ કરતાં વધુ

Wednesday 22nd January 2020 05:40 EST
 
 

દાવોસઃ ભારતના ૧ ટકા ધનવાનોની પાસે ૯૫.૩ કરોડ લોકોની કુલ સંપત્તિથી ચાર ગણી વધારે સંપત્તિ છે એટલે કે ૧ ટકા ધનવાનો પાસે દેશની ૭૦ ટકા વસ્તીની કુલ સંપત્તિથી ચાર ગણી વધારે સંપત્તિ છે. બીજી તરફ દેશના અબજપતિઓની કુલ સંપત્તિ ભારતના ૨૦૧૮-૧૯ના કુલ બજેટના રૂ. ૨૪,૪૨,૨૦૦ કરોડ કરતા વધુ છે.
દાવોસમાં આયોજિત વર્લ્ડ ઇકોનોમિક ફોરમ (ડબ્લ્યુઇએફ)ની ૫૦મી વાર્ષિક બેઠકમાં ‘ટાઇમ ટુ કેર’નામના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે વિશ્વના ૨૧૫૩ અબજપતિઓ પાસે વિશ્વની કુલ વસ્તીના ૬૦ ટકા એટલે કે ૪.૬ અબજ લોકો કરતા વધારે સંપત્તિ છે.
આ અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે વિશ્વમાં આર્થિક અસમાનતા સતત વધી રહી છે. છેલ્લા એક દાયકામાં અબજપતિઓની સંખ્યા બમણી થઇ ગઇ છે. જો કે છેલ્લા એક વર્ષમા તેમની કુલ સંપત્તિમાં ઘટાડો થયો છે. ઓક્સફામ કન્ફરેડરેશનનું પ્રતિનિધિત્વ કરનાર ઓક્સફેમ ઇન્ડિયાના સીઇઓ અમિતાભ બેહરે જણાવ્યું હતું કે, અસામનતા દૂર કરવાની નીતિઓ અમલમાં મૂક્યા સિવાય ધનવાન અને ગરીબો વચ્ચેના અંતરને દૂર કરી શકાય તેમ નથી. વિશ્વના ખૂબ જ ઓછા દેશો આ નીતિને અનુસરી રહ્યાં છે. ૨૦મીથી દાવોસમાં શરૂ થયેલી પાંચ દિવસીય મંત્રણામાં આવક અને જાતીય અસમાનતાનો મુદ્દો છવાયેલો રહેવાના અહેવાલ જાહેર કરાયા હતા. આ અહેવાલમાં આર્થિક મંદી ચાલુ રહેવાની ચેતવણી આપવામાં આવી છે.
જો કે છેલ્લા ૩૦ વર્ષમાં વૈશ્વિક અસામનતામાં ઘટાડો થયો છે. જ્યારે બીજી તરફ ઘણા દેશોમાં ઘરેલુ આવક અસમાનતામાં વધારો થયો છે. આ અહેવાલમાં ભારત વિશે જણાવવામાં આવ્યું છે કે ૬૩ અબજપતિઓની કુલ સંપત્તિ ભારતના નાણાકીય વર્ષ ૨૦૧૮-૧૯ના કુલ બજેટ રૂ. ૨૪,૪૨,૨૦૦ કરોડથી વધારે છે.
આ અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે મહિલા ઘરેલુ નોકર ૨૨,૨૭૭ વર્ષ કામ કરીને જેટલી રકમ કમાય છે તેટલી રકમ ટેકનોલોજી કંપનીના ટોચના સીઇઓ એક જ વર્ષમાં કમાઇ લે છે. એક ઘરેલુ નોકર એક વર્ષમાં જેટલું કમાય છે તેનાથી વધુ રકમ ટેકનોલોજી કંપનીના સીઇઓ ફક્ત દસ જ મિનિટમાં કમાઇ લે છે.
ટેકનોલોજી કંપનીના સીઇઓ એક જ સેકન્ડમાં રૂ. ૧૦૬ કમાય છે. વિશ્વના ૨૨ ધનવાનો પાસે આફ્રિકાની મહિલાઓની કુલ સંપત્તિ કરતા વધારે સંપત્તિ છે. વિશ્વના ધનવાન લોકો ૦.૫ ટકા વધુ ટેક્સ ચૂકવે તો આગામી દસ વર્ષમાં ૧૧.૭ કરોડ નોકરીઓનું સર્જન કરી શકાય.

વર્ષ ૨૦૧૯-૨૦માં ભારતનો જીડીપી ૪.૮ ટકા રહેશે: આઇએમએફ

ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ (આઇએમએફ)એ આજે ભારત સહિત વૈશ્વિક અર્થતંત્ર માટેના વિકાસ દરમાં ઘટાડો કર્યો છે. આઇએમએફએ નાણાકીય વર્ષ ૨૦૧૯-૨૦ માટે ભારતનો આર્થિક વિકાસનો અંદાજ ઘટાડીને ૪.૮ ટકા કર્યો છે. ઉલ્લેખનીય છે કે આઇએમએફએ ઓક્ટોબરમાં જીડીપીનો અંદાજ ૬ ટકા રાખ્યો હતો. આઇએમએફના જણાવ્યા અનુસાર ભારતમાં મંદીને કારણે વૈશ્વિક અર્થતંત્રના વિકાસ દરના અંદાજમાં પણ ઘટાડો કર્યો હતો. જોકે આગામી નાણાકીય વર્ષથી આર્થિક વિકાસ વધવાનો અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter