નવી દિલ્હીઃ પુલવામામાં હુમલાના ૭૨ કલાક બાદ ભારતે આતંકની જનેતા ગણાતા પાકિસ્તાનને આંતરરાષ્ટ્રીય સ્તરે વિખૂટુ પાડવા માટે વધુ એક કદમ ઉઠાવ્યું છે. ભારતે P5 દેશો સાથે બેઠક કરીને પુલવામામાં હુમલાની વિસ્તૃત જાણકારી આપી હતી. P5 દેશોમાં અમેરિકા, ચીન, રશિયા, ફ્રાન્સ અને બ્રિટન સામેલ છે. વિદેશસચિવ વિજય ગોખલેએ પાંચ દેશોના પ્રતિનિધિઓ સાથે મુલાકાત કરીને પુલવામામાં હુમલાના પાકિસ્તાનની સંડોવણી હોવાનું જણાવ્યું હતું. ગોખલે એ દુનિયાના દેશોને જણાવ્યું હતું કે આતંકવાદ પાકિસ્તાનની સ્ટેટ પોલિસીનો હિસ્સો છે.
ખીણપ્રદેશમાં જૈશના ૬૦ આતંકી સક્રિય
વિદેશ સચિવની પાંચ દેશોના વિદેશ સચિવો સાથેની બેઠક પહેલાં લશ્કરે એવી માહિતી આપી હતી કે કાશ્મીર ખીણમાં આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદના ઓછામાં ઓછા ૬૦ આતંકીઓ સક્રિય છે. આ ૬૦ આતંકીઓમાંથી ૩૫ આતંકીઓ તો ઘણી તાલીમ પામીને આવેલા છે. લશ્કરના ટોચના કમાન્ડરોને આ આતંકીઓની માહિતી આપી દેવાઈ છે અને સંરક્ષણ મંત્રાલય તથા વડા પ્રધાન કાર્યાલયને પણ કાશ્મીર ખીણની ઝીણામાં ઝીણા માહિતી અપાઈ રહી છે. સૂત્રોએ જણાવ્યું કે ભારતીય લશ્કરે કેટલાક આંતકીઓને તેમના ગુપ્ત ઠેકાણેથી બહાર કાઢવામાં સફળ રહી છે. કાશ્મીર ખીણ વિસ્તારના લોકોની સલામતી માટેના તમામ પગલાંઓ ભરવામાં આવી રહ્યાં છે.
મસૂદને પાકિસ્તાની સૈન્યની મદદ
કાશ્મીરના એક ટોચના અધિકારીએ જણાવ્યું હતું કે એક તરફ મસૂદ અઝહર આતંકી હુમલા કરી રહ્યો છે જ્યારે બીજી તરફ તેને પાકિસ્તાન ખુલ્લેઆમ શરણ આપી રહ્યું છે. એટલું જ નહીં, પાકિસ્તાની સૈન્યની પણ તેને મદદ મળી રહી છે. સરહદે પાકિસ્તાન સૈન્ય દ્વારા ગોળીબાર કરીને આતંકીઓને ઘુસાડાઇ રહ્યા છે. પુલવામા હુમલા પાછળ પણ પાકિસ્તાનનો જ હાથ છે અને મસૂદને આઇએસઆઇની મદદ મળી રહી છે.