નવી દિલ્હીઃ વર્લ્ડ બેન્ક દ્વારા તાજેતરમાં જારી કરાયેલા અહેવાલમાં જણાવાયું છે કે, ભારતીયો ઉપર જીએસટીનાં નામે અઢળક ટેક્સ લાગુ કરવામાં આવ્યા છે. ભારતની જીએસટી વ્યવસ્થા દુનિયાની સૌથી જટિલ ટેક્સ વ્યવસ્થામાંની એક છે. વર્લ્ડ બેન્કના ઇન્ડિયા ડેવલપમેન્ટ અપટેડ નામના છમાસિક અહેવાલે કેન્દ્ર સરકારની ટેક્સક્રાંતિના લીરેલીરા ઉડાડયા હતા. અહેવાલમાં જણાવ્યું હતું કે, ભારતમાં લાગુ થયેલો જીએસટી દુનિયામાં બીજા ક્રમનો સૌથી વધુ વસૂલવામાં આવતો કરવેરો છે. ૧૧૫ દેશોની જીએસટી વ્યવસ્થા સાથે સરખામણી કરાયા બાદ આ અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો. તેમાં જણાવાયું હતું કે, ભારતમાં ટેક્સનું પ્રમાણ ઘણું વધારે છે. ભારતીયો સરળ ટેક્સનાં નામે સૌથી વધારે વેરા ભરી રહ્યા છે. પહેલાં કરતાં ભારતીયો વધારે કરબોજ હેઠળ દબાઈ ગયા છે.