નવી દિલ્હી: યુએન મહાસભાએ 21 ડિસેમ્બરને વર્લ્ડ મેડિટેશન ડે (વિશ્વ ધ્યાન દિવસ) જાહેર કર્યો છે. કુલ 193 સભ્ય દેશો ધરાવતી યુએન મહાસભામાં ભારત, શ્રીલંકા, નેપાળ, મેક્સિકો, લિક્ટેનસ્ટેઇન અને એન્ડોરા સહિતના દેશોએ 21 ડિસેમ્બરને વર્લ્ડ મેડિટેશન ડે જાહેર કરવા અંગેનો ઠરાવ રજૂ કર્યો હતો, જેને સર્વાનુમતે મંજૂર કરાયો હતો.
આ પ્રસ્તાવને બાંગ્લાદેશ, બલ્ગેરિયા, બુરુન્ડી, ડોમિનિકન રિપબ્લિક, આઈસલેન્ડ, લક્ઝમબર્ગ, મોરેશિયસ, મોનાકો, મંગોલિયા, મોરક્કો, પોર્ટુગલ અને સ્લોવેનિયાએ પણ કો-સ્પોન્સર કર્યો હતો.
યુએન ખાતેના ભારતના પરમેનન્ટ રિપ્રેઝન્ટેટિવ પર્વતનેની હરીશે એક સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું હતું કે બહોળા જનસમુદાયના કલ્યાણ અને આંતરિક પરિવર્તનનો દિવસ. મને ખુશી છે કે ભારતે કોર ગ્રૂપના અન્ય દેશો સાથે મળીને યુએન મહાસભામાં 21 ડિસેમ્બરને વર્લ્ડ મેડિટેશન ડે જાહેર કરવાનો પ્રસ્તાવ સર્વસંમતિથી પસાર કરાવવા માટેની પ્રક્રિયાનું માર્ગદર્શન કર્યું. સમગ્ર માનવજાતના કલ્યાણ માટે ભારતનું નેતૃત્વ વસુધૈવ કુટુમ્બકમના આપણા સભ્યતાગત સિદ્ધાંત પર આધારિત છે. તેમણે ઉમેર્યું હતું કે 21 ડિસેમ્બર શીતકાલીન સંક્રાંતિનો દિવસ છે, જેને ભારતીય પરંપરા અનુસાર ઉત્તરાયણની શરૂઆત ગણવામાં આવે છે. આંતરિક ચિંતન અને ધ્યાન માટે વર્ષના એક શુભ સમયની આ શરૂઆત હોય છે. તે આંતરરાષ્ટ્રીય યોગ દિવસના બરાબર 6 મહિના બાદ આવે છે. આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 21 જૂને મનાવાય છે કે જ્યારે ગ્રીષ્મ સંક્રાંતિ હોય છે.
ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ ભારત સરકારના પ્રયાસો અને રજૂઆત પર જ યુનાઇટેડ નેશન્સ દ્વારા 21 જૂનને વિશ્વ યોગ દિવસ જાહેર કરવામાં આવ્યો હતો. વડાપ્રધાન મોદીએ આ માટે ખૂબ પ્રયાસ કર્યા હતા.