ટોરન્ટોઃ કેનેડાની સરકાર દ્વારા આખરે ભારતની પ્રાદેશિક અખંડિતતાને સ્વીકારવામાં આવી છે. કેનેડાની ટ્રુડો સરકારે આ મુદ્દે તેનું વલણ સ્પષ્ટ કરતાં કહ્યું છે કે ભારત એક જ છે. ભારતની પ્રાદેશિક અખંડતા અંગે તેનું વલણ સ્પષ્ટ અને પૂર્ણ છે.
કેનેડાનાં વિદેશ બાબતોનાં નાયબ પ્રધાન ડેવિડ મોરિસને ઓટ્ટાવામાં ફોરેન ઈન્ટરફિયરન્સ કમિશન સમક્ષ આ વાત કરી હતી. આમ આખરે કેનેડાની સાન ઠેકાણે આવી છે અને ભારતનાં સાર્વભૌમત્વને સ્વીકારવામાં આવ્યું છે. તેમણે કહ્યું હતું કે કેનેડાની નીતિ ઘણી સ્પષ્ટ છે. ભારતની પ્રાદેશિક અખંડતાનું સન્માન કરવું જોઈએ. ભારત એક જ છે તે સ્પષ્ટ કરી દેવામાં આવ્યું છે. મોરિસન કેનેડામાં ભારતનાં વિદેશ સચિવ સમકક્ષ પદ સંભાળે છે. મોરિસને સ્વીકાર્યું હતું કે બંને દેશો વચ્ચે ખાનગી સ્તરે વાતચીત ચાલી રહી છે. અમારી ચેનલો ખુલ્લી છે અમે નવી દિલ્હી સાથે વાતચીત કરી રહ્યા છીએ. ખાલિસ્તાની આતંકી હરદીપ સિંહ નિજજરની હત્યામાં ભારતનાં સરકારી એજન્ટોની સંડોવણીનાં આરોપો પછી બંને દેશ વચ્ચેનાં સંબંધોમાં તંગદીલી સર્જાઈ હતી.
ખાલિસ્તાની સમર્થકોની ગતિવિધિ ભયાનક પણ માન્ય
મોરિસને કહ્યું હતું કે કેનેડામાં ખાલિસ્તાની સમર્થકોની ગતિવિધીઓ ભયાનક પણ માન્ય છે. આવી સ્થિતિ અમારા સહિત અનેક લોકો જોવા માંગતા નથી. જોકે દેશમાં અભિવ્યક્તિની સ્વતંત્રતાને આધારે અમે તેને સંરક્ષણ આપી રહ્યા છીએ. અમે ભારતીયોની સાથે કામ કરવા માટે પ્રતિબધ્ધ છીએ. જેથી અમારી વચ્ચે પહેલા જેવા સંબંધો કાયમ માટે સ્થાપિત કરી શકાય, જે કંઈ થયું છે તે માટે અમે જવાબદાર છીએ.