નવી દિલ્હી: ભારતની એક સુપરસોનિક મિસાઇલ ટેક્નિકલ ગરબડના કારણે પાકિસ્તાનમાં 125 કિલોમીટર અંદર જઇને ત્રાટકતાં બન્ને દેશના સંરક્ષણ મંત્રાલય દોડતાં થઇ ગયા હતાં. પાક. સરહદની અંદર પંજાબના મિયાં ચુન્નૂ વિસ્તારમાં નવમી માર્ચે સાંજે 6 વાગ્યે ભારતીય સરહદમાંથી વિજળીક વેગે આ મિસાઇલ આવીને પડી હતી. સદનસીબે આ મિસાઇલમાં વોરહેડ્સ ફીટ થયેલાં ના હોવાથી જાનમાલનું કોઇ નુકસાન નથી થયું. આ ઘટના બાદ ભારતીય સંરક્ષણ મંત્રાલયે તરત જ પાક. સત્તાધીશોનો સંપર્ક સાધીને જણાવ્યું હતું કે રૂટીન મરામત દરમિયાન ટેક્નિકલ ગરબડને કારણે દુર્ઘટનાવશ મિસાઇલ ફાયર થઇ ગઇ હતી. ભારત સરકારે આ ઘટનાને ગંભીરતાથી લેતા હાઇ લેવલ કોર્ટ ઓફ ઇન્કવાયરીનો આદેશ આપ્યો છે. ઉલ્લેખનીય છે કે મિયાં ચુન્નૂમાં જ્યાં આ મિસાઇલ પડી હતી ત્યાંથી આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદના વડા મસૂદ અઝહરનું બહાવલપુર સ્થિત ઘર માત્ર ૧૬૦ કિમી દૂર છે.
પાકિસ્તાની સૈન્યની મીડિયા વિંગ ઈન્ટર-સર્વિસીસ પબ્લિક રિલેશન્સ (આઇએસપીઆર)ના ડીજી મેજર જનરલ બાબર ઈફ્તિખારે 10 માર્ચે સાંજે એક પ્રેસ કોન્ફરન્સમાં આ ઘટનાનો ખુલાસો કર્યો હતો. બાબરે કહ્યું હતું કે ભારત તરફથી જે વસ્તુ અમારા દેશ પર છોડાઇ છે તેને તમે સુપરસોનિક ફ્લાઈંગ ઓબ્જેક્ટ કે મિસાઈલ કહી શકો છો. જોકે, તેમાં કોઈ પણ પ્રકારના હથિયાર કે દારુગોળો નહોતો. પરિણામે કોઈ પણ પ્રકારનું નુકસાન નથી થયું. અમારી એર ડિફેન્સ સિસ્ટમે તેને ઝડપી પાડી પરંતુ તે એકદમ સ્પીડમાં મિયાં ચુન્નૂ વિસ્તારમાં પડી. ભારતથી પાકિસ્તાન પહોંચવામાં તેને 3 મિનિટ લાગી. કુલ 124 કિલોમીટરનું અંતર કાપ્યું. કેટલાક ઘર અને પ્રોપર્ટીઝને નુકસાન થયું છે. આ મિસાઈલ ભારતના સિરસા (હરિયાણા)થી છોડવામાં આવી હતી.
બાબરની પ્રેસ કોન્ફરન્સ પહેલાં પાક. મીડિયામાં એવા સમાચાર હતા કે ભારતનું કોઈ પ્રાઈવેટ એરક્રાફ્ટ મિયાં ચુન્નૂ વિસ્તારમાં ક્રેશ થયું છે. બાબરે કહ્યું હતું કે અમારી ટીમે આ મિસાઈલના ફ્લાઈટ રૂટની ભાળ મેળવી લીધી છે. આ ઘણું જ ખતરનાક પગલું છે, કેમ કે જે સમયે આ મિસાઈલ ફાયર કરવામાં આવી તે સમયે ભારત અને પાકિસ્તાનની એરસ્પેસમાં અનેક ફ્લાઈટ ઓપરેટ થઇ રહી હતી અને કોઈ મોટી દુર્ઘટના પણ સર્જાઇ હોત. અમે આ મુદ્દાને ગંભીરતાથી લઈએ છીએ. ભારતે પુષ્ટિ કરી છે કે આ મિસાઈલ ભૂલથી ફાયર થઈ ગઈ હતી.
પાક. એરફોર્સને ખબર જ ના પડી?
પાકિસ્તાન ઉપર ભૂલથી ફેંકાયેલી ભારતની મિસાઈલ બાબતે નિષ્ણાતો દાવો કરી રહ્યા છે તે પ્રમાણે પાક. એરફોર્સ ભારતીય મિસાઈલની સ્પીડ જોઈને દંગ રહી ગઈ હતી. તેની સ્પીડ જ એટલી હતી કે પાક. એરફોર્સ માટે તેને તોડી પાડવાનું કામ ખૂબ જ વિકટ હતું.
પાક. એરફોર્સની ભારતીય સુપરસોનિક મિસાઈલ ઉપર નજર હતી એ દાવા પછી ભારતના નિષ્ણાતોએ તારણ રજૂ કર્યું હતું કે સુપરસોનિક મિસાઈલની અભૂતપૂર્વ ઝડપને પકડવાનું કામ ખૂબ જ મુશ્કેલ છે. ભારતના સેન્ટર ફોર એર પાવર સ્ટડીઝ થિંક ટેન્કના પ્રમુખ નિવૃત્ત એરમાર્શલ અનિલ ચોપડાએ કહ્યું હતું કે પાકિસ્તાની વાયુસેના માટે કોઈ પણ નિર્ણય લેવા માટે બહુ જ ઓછો સમય હતો. પાક. વાયુસેના ભારતની મિસાઈલની સ્પીડ જોઈને દંગ રહી ગઈ હોવી જોઈએ. પાકિસ્તાને ધાર્યું હોત તો પણ ભારતની મિસાઈલને તોડી પાડવાનું શક્ય બન્યું ન હોત.
ભારતની સુપરસોનિક મિસાઈલની ઝડપનો અંદાજ એ વાત પરથી આવી શકે છે કે પાકિસ્તાન એરફોર્સના ધ્યાનમાં આવી હોવા છતાં એને તોડી પાડવાનું અશક્ય હતું. ઉલ્લેખનીય છે કે ભારતે પાકિસ્તાનને સત્તાવાર રીતે દિલગીરી વ્યક્ત કરી છે. બીજી તરફ, પાકિસ્તાને આ મુદ્દે સંયુક્ત તપાસની માગણી કરી છે.