ભારતની મુલાકાત લેનારા પ્રવાસીઓના ઓસ્ટ્રેલિયા પ્રવેશ પર રોક, પાંચ વર્ષની કેદ

Wednesday 05th May 2021 01:36 EDT
 
 

મેલબોર્નઃ ભારતમાં વિકરાળ બની રહેલા કોરોના વાઇરસને પોતાના દેશમાં પ્રસરતો અટકાવવા માટે ઓસ્ટ્રેલિયા સરકારે ભારતની મુલાકાતે ગયેલા ઓસીઝ નાગરિકોના સ્વદેશ પરત ફરવા પર રોક લગાવી દીધી છે. ઓસી. સરકારે હાલ પુરતા ભારતના પ્રવાસને ગેરકાયદેસર જાહેર કરતાં જણાવ્યું છે કે આ આદેશનું ઉલ્લંઘન કરીને ભારતથી સ્વદેશ પરત ફરનારા ઓસ્ટ્રેલિયનોને પાંચ વર્ષની કેદ અથવા તો ૬૬,૦૦૦ ડોલરનો આકરો દંડ ચૂકવવો પડશે. ઓસી. સરકારે લાદેલા આ હંગામી પ્રતિબંધનો પ્રારંભ સોમવારથી થઇ રહ્યો છે. આ પ્રતિબંધ ભારતની મુલાકાત લેનારા અન્ય દેશોના નાગરિકો પર પણ લાગુ થશે. ઓસ્ટ્રેલિયા પહોંચવાની તારીખ પહેલાના ૧૪ દિવસમાં ભારતની મુલાકાત લેનારા કોઇ પણ પ્રવાસી પર આ પ્રતિબંધ લાગુ થશે.

હાલ ભારતમાં ૯૦૦૦ ઓસ્ટ્રેલિયન નાગરિકો છે અને તેમાંથી ૬૦૦ કરતાં વધુ ઓસી. નાગરિકો સંકટમાં હોવાનું મનાય છે. નેશનલ કેબિનેટની બેઠક બાદ આરોગ્ય મંત્રાલય દ્વારા ૩૦ એપ્રિલે મોડી રાત્રે આ નિર્ણય લેવાયો હતો. ભારતમાં કોરોના સંક્રમણના વધી રહેલા કેસને પગલે ઓસ્ટ્રેલિયામાં સંક્રમણ ફેલાતું અટકાવવા આ પગલું લેવાયું છે.
ઓસ્ટ્રેલિયાના આરોગ્ય પ્રધાન ગ્રેગ હંટે જણાવ્યું હતું કે, ભારતમાં કોરોનાથી સંક્રમિત થયેલા અને ઓસ્ટ્રેલિયામાં ક્વોરન્ટાઇન કરાયેલા વિદેશી પ્રવાસીઓની સંખ્યાના આધારે આ નિર્ણય લેવાયો છે. ભારતથી મોટી સંખ્યામાં આવી રહેલા કોરોના સંક્રમિતોના કારણે આ નિર્ણય લેવાયો છે. જો આ ટ્રાવેલ પ્રતિબંધોનું ઉલ્લંઘન કરાશે તો દોષીને પાંચ વર્ષની કેદ અથવા ૬૬,૦૦૦ ઓસી. ડોલર (૫૦,૮૭૬ યુએસ ડોલર)નો દંડ અથવા બંને સજા એક સાથે કરાશે.

૩૦ ઓસ્ટ્રેલિયન પ્લેયર્સ અને કોચ ભારતમાં ફસાયા

કોરોના મહામારીના કારણે મંગળવારે સસ્પેન્ડ કરાયેલી આઇપીએલમાં ડેવિડ વોર્નર, સ્ટિવ સ્મિથ સહિત પેટ કમિન્સ અને કોચ રિકી પોન્ટિંગ સહિત લીસા સ્થાલેકર અને માઇકલ સ્લેટર સહિત ૩૦ જેટલા ઓસ્ટ્રેલિયન કોમેન્ટેટર્સ સક્રિય હતા. એડમ ઝમ્પા અને કેન રિચાર્ડસન તાજેતરમાં આઇપીએલના બાયો-બબલમાંથી બહાર નીકળીને મહામુશ્કેલીએ વાયા દોહા થઇને ઇન્ટરનેશનલ બોર્ડર બંધ કરવામાં આવી તે પહેલાં ઓસ્ટ્રેલિયા પહોંચી ગયા હતા. હવે ભારતમાં ફસાયેલા ઓસ્ટ્રેલિયનો પાસે સ્વદેશ પહોંચવા માટે પહેલાં ભારતથી અન્ય દેશમાં જઇ ત્યાં પંદરેક દિવસ વિતાવીને ફરી ઓસ્ટ્રેલિયા પહોંચવાનો એક જ વિકલ્પ બાકી રહે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter