નવી દિલ્હીઃ કોરોનાની બીજી ઘાતક લહેર સામે ઝઝૂમી રહેલા ભારતમાં હોસ્પિટલોમાં બેડ, ઓક્સિજનની અછત સહિત અન્ય કેટલીય મેડિકલ સુવિધાઓની ઉણપ પ્રવર્તી રહી છે. ભારત માટે કટોકટીભર્યો સાબિત થઈ રહેલા આ કોરોનાકાળમાં અમેરિકા, બ્રિટન, ઓસ્ટ્રેલિયા જેવા રાષ્ટ્રો ભારતની વ્હારે આવ્યા છે. ઉપરાંત વિદેશની કેટલાક સામાજિક સંસ્થાઓ પણ આ સ્થિતિમાં ભારતને મદદ માટે આગળ આવી છે.
સાઉદી અરબે ચાર ક્રાયોજેનિક ઓક્સિજન કન્ટેઈનર અને ૮૦ મેટ્રિક ટન ઓક્સિજન ભારત મોકલવાની ઘોષણા કરી છે. એટલું જ નહીં, ઓક્સિજનની પહેલી ટ્રીપ દમ્મામ બંદરથી રવાના પણ થઈ ચૂકી છે. બીજી તરફ શ્રીલંકા સ્થિત ચીનની એમ્બસીએ માહિતી આપી હતી કે, ભારત માટે હોંગકોંગથી ૮૦૦ ઓક્સિજન કોન્સન્ટ્રેટર મોકલાવવાની તૈયારી થઈ ગઈ છે. સિંગાપુરે ભારત માટે ૫૦૦ બાઈપેપ, ૨૫૦ ઓક્સિજન કોન્સન્ટ્રેટર અને બીજી મેડિકલ સપ્લાઈ મોકલી છે. પાકિસ્તાને પણ મદદ માટે ઔપચારિક્તા દાખવી છે.
અમેરિકાઃ જ્હોન એફ. કેનેડી વિમાન મથકેથી ૩૧૮ ઓક્સિજન કોન્સન્ટ્રેટરની પહેલી ટ્રીપ સાથે એર ઈન્ડિયાનું પ્લેન દિલ્હી પહોંચી ગયું છે. અમેરિકાએ કહ્યું હતું કે, કોવિશીલ્ડ વેક્સિન માટે ભારતને જરૂરી રો મટિરિયલ પુરું પાડવામાં આવશે. વ્હાઈટ હાઉસની પ્રેસ રિલિઝમાં કહેવામાં આવ્યું હતું કે, કોરોના મહામારીની પહેલી લહેરમાં ભારતે અમેરિકાની મદદ કરી હતી, હવે અમેરિકા પણ ભારતની મદદ માટે તત્પર છે.
ઓસ્ટ્રેલિયાઃ કોરોનાના પ્રકોપ સામે લડી રહેલા ભારતની મદદ માટે આગળ આવનારા દેશોમાં વધુ એક દેશ જોડાયો છે. ઓસ્ટ્રેલિયાએ કોરોનાના સંકટને નિયંત્રણમાં લેવા માટે તાત્કાલિક ધોરણે ભારતને ઓક્સિજન, વેન્ટિલેટર્સ તથા પીપીઈ કિટ ઉપલબ્ધ બનાવવાની જાહેરાત કરી છે. ઓસ્ટ્રેલિયાના આરોગ્ય પ્રધાન ગ્રેગ હન્ટે જણાવ્યું હતું કે હાલના તબક્કે ભારતને મદદ કરવા માટે કઈ કઈ આવશ્યક વસ્તુઓ મોકલી શકાય તે અંગે સરકારે ગહન ચર્ચા કરી હતી. હાલમાં ભારતમાં ઓક્સિજનની અછત વર્તાઈ રહી છે. અમે તબીબી સંસાધનોના જથ્થામાંથી તેમની જરૂરિયાત અનુસારની વસ્તુઓનો પુરવઠો ઉપલબ્ધ બનાવીએ ત્યાં સુધીમાં તેમને ઓક્સિજનનો પુરવઠો મળી રહે તે માટે અમે પ્રયાસ કરી રહ્યા છીએ.
યુરોપિયન યુનિયનઃ યુરોપિયન યુનિયન ભારતને મદદ માટે વહેલી તકે સાધનો એકત્રિત કરી રહ્યું છે. ઈયુ એ ભારતને મેડિકલ મદદ જલ્દીથી પહોંચાડી શકાય તે માટે પહેલાથી જ પોતાની નાગરિક રક્ષા પ્રણાલીને સક્રિય કરી હતી.
જર્મનીઃ ભારત માટે મોબાઈલ ઓક્સિજન જનરેટર અને બીજી કેટલીક મેડિકલ સામગ્રી મોકલાવાશે. ચાન્સેલર એન્જેલા માર્કલે કહ્યું કે, જર્મનીની સરકાર ભારતને મદદ માટે કટિબદ્ધ છે.
ભૂટાનઃ આસામે પાડોશી દેશ ભૂટાન પાસેથી ઓક્સિજનની આયાત કરવાની વ્યવસ્થા કરી છે. ભૂટાન તરફથી આસામને દૈનિક ૫૦ મેટ્રિક ટન ઓક્સિજન મળશે.
સેવા ઈન્ટરનેશનલ-યુએસએઃ ભારતીય-અમેરિકન એનજીઓ સેવા ઈન્ટરનેશનલ-યુએસએએ ભારત માટે ૫૦ લાખ અમેરિકન ડોલર દાન એકત્ર કરવાનું લક્ષ્યાંક રાખ્યું છે. ૪૦૦ ઓક્સિજન કોન્સન્ટ્રેટર સહિત અન્ય મેડીકલ સાધનો પણ ભારત પહોંચાડવામાં આવી રહ્યા છે.
યુએસઆઈએસપીએફઃ યુએસ-ઈન્ડીયા સ્ટ્રેટેજિક એન્ડ પાર્ટનરશિપ ફોરમ (યુએસઆઇએસપીએફ) વેપાર સંગઠને ભારત માટે એક લાખ ઓક્સિજન કોન્સન્ટ્રેટરનો ઓર્ડર આપ્યો છે.