નવી દિલ્હીઃ રશિયા અને યૂક્રેન વચ્ચેના યુદ્ધ દરમિયાન વિશ્વના દેશો બે ભાગમાં વહેંચાઈ ગયા છે. એક તરફ અમેરિકા અને મિત્ર રાષ્ટ્રો છે, બીજી તરફ રશિયા અને તેને સમર્થન કરવાવાળા કેટલાક દેશો. આ બધાની વચ્ચે વિશ્વની નજર ભારત તરફ મંડાયેલી છે.
આમ તો ભારત તટસ્થ નીતિ અપનાવતાં અત્યાર સુધી પોતાને આ જૂથવાદથી દૂર રાખી શક્યું છે. તેની એક સાબિતી તેણે યુએનએસસીમાં વોટિંગથી દૂર રહીને પણ આપી છે.
ભારતને પોતાના પક્ષમાં લેવા માટે અમેરિકા અને રશિયા દરેકે દરેક સંભવ પ્રયાસો કરી રહ્યા છે.
આવા સંજોગોમાં ભારતનં વલણ શું છે? અને તે રશિયા સાથેની પોતાની જૂની દોસ્તીને કેવી રીતે નિભાવી રહ્યું છે, તેની સાબિતી રશિયન વિદેશમંત્રી સર્ગેઇ લાવરોવની નવી દિલ્હીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથેની મુલાકાતમાંથી મળી શકે છે.
અડધો ડઝન વિદેશ મંત્રી આવ્યા પણ સમય નહીં
તાજેતરમાં જ ચીન અને મેક્સિકોના વિદેશમંત્રી ભારત આવી ગયા હતા. તેના એક દિવસ અગાઉ બ્રિટનના વિદેશમંત્રી પણ ભારતમાં હતા. આ પછી રશિયાના વિદેશમંત્રી સર્ગેઇ લાવરોવ ભારત પહોંચ્યા તો તેની અગાઉ અમેરિકા, જર્મની અને નેધરલેન્ડના સુરક્ષા સલાહકારો પણ દિલ્હી પહોંચી ગયા. જોકે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કોઈને મળવાનો સમય જ ના આપ્યો. બીજી તરફ મોદી અને લાવરોવ વચ્ચે લગભગ 40 મિનિટ સુધી બેઠક થઈ હતી.
રશિયાને ભારત પર ભરપૂર ભરોસો
રશિયા અને ભારત જૂના દોસ્ત રહી ચૂક્યા છે. રશિયા યૂક્રેન યુદ્ધ વચ્ચે ભારત પર પૂરો ભરોસો દર્શાવી ચૂક્યું છે. રશિયાના રાજદૂતથી લઈને વિદેશમંત્રી ભારતના વલણની પ્રશંસા કરી ચૂક્યા છે. સર્ગેઇએ તો ભારતને આ યુદ્ધમા મધ્યસ્થતા કરવાનું પણ કીધું છે.