થિમ્ફુઃ ભૂતાન કુદરતી રીતે ભારતનો પડોશી દેશ છે અને ભારતનું સૌભાગ્ય છે કે ભૂતાન જેવો પડોશી દેશ મળ્યો છે. અહીં વિકાસને આંકડામાં નહીં પણ હેપીનેસ દ્વારા મૂલવવામાં આવે છે. ભૂતાનના વિકાસના સહભાગી બનવું એ અમારા માટે સન્માનની વાત છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પડોશી દેશ સાથેના ગાઢ સંબંધોને આવા ઉષ્માપૂર્ણ શબ્દો સાથે બિરદાવ્યા હતા.
ભારતીય વડા પ્રધાનના બે દિવસના ભૂતાન પ્રવાસ દરમિયાન બન્ને દેશો વચ્ચે શિક્ષણ, સ્પેસ, રિસર્ચ, હાઈડ્રો પાવર, એવિએશન, આઈટી સહિતના ક્ષેત્રે ૧૦ મહત્ત્વપૂર્ણ કરારો થયા હતા. તેમ જ હાઈડ્રો પાવર યોજનાના વિસ્તરણ માટે પણ સંમતિ સધાઈ હતી.
મોદીએ કહ્યું કે ૧૩૦ કરોડ ભારતીયોનાં મનમાં ભૂતાન માટે ખાસ લગાવ છે. મારા બીજા કાર્યકાળમાં અહીં આવીને ખુશ છું. ભૂતાન પ્રવાસે રવાના થતાં પહેલાં મોદીએ ટ્વીટ કર્યું હતું કે આ મુલાકાત પછી ભૂતાન અને ભારતની મિત્રતા વધુ મજબૂત થશે. બંને દેશ વચ્ચે સમૃદ્ધિ અને પ્રગતિનો માર્ગ ખુલશે. ભારતની નીતિ હંમેશાં પડોશી પહેલાની રહી છે. તો ભૂતાન એરપોર્ટ પર આગમન બાદ ટ્વિટ કર્યું હતું કે ભૂતાનનાં વડા પ્રધાન દ્વારા મારું ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું છે અને તેમનો આવકાર સ્નેહસભર અને પ્રભાવિત કરનારો હતો. ભારતના વડા પ્રધાને કહ્યું હતું કે વિશ્વનાં કોઈ પણ ખૂણામાં જાઓ અને તેમને ભૂતાન વિશે પૂછવામાં આવે તો એક જ જવાબ મળશે કે ભૂતાનનાં લોકો ગ્રોસ નેશનલ હેપીનેસનો કન્સેપ્ટ અપનાવે છે અને તેની કિંમત જાણે છે. ભૂતાનનાં લોકોએ ખુશી અને આનંદનો ભાવ સમજ્યો છે. ભૂતાનમાં સદ્ભાવના, એકતા અને કરુણાની ભાવના છે.
બન્નેનો વિશ્વાસ, મૂલ્યો, પ્રેરણા એકસમાન
ભૂતાનનાં વડા પ્રધાન લોટે શેરિંગે કહ્યું કે બંને દેશો મિત્રતાની સાચી પરિભાષામાં ખરા ઊતર્યા છે તે આનંદની વાત છે. મને આશા છે કે અમારા હાઈડ્રો પાવર પ્રોજેક્ટ ભારતનાં પાંચ ટ્રિલિયન ડોલરની ઇકોનોમીનું સપનું સાકાર કરવામાં મદદરૂપ થશે.
મોદી અને શેરિંગે સિમતોખા જોન્ગમાં ભારતના નેશનલ નોલેજ નેટવર્ક અને ભૂતાન ડ્યૂક રિસર્ચ એન્ડ ફાઉન્ડેશન નેટવર્કને કનેક્ટ કર્યા હતા. શેરિંગે કહ્યું હતું કે, ભારત અને ભૂતાન કદમાં ભલે અલગ અલગ હોય પણ બંનેનો વિશ્વાસ, મૂલ્યો અને પ્રેરણા એકસમાન છે. ૨૦૧૪માં મોદી પહેલી વખત ભૂતાન આવ્યા ત્યારે તેમણે ભૂતાન અને ભારતને સરહદી પડોશી નહીં, પણ દિલ ખોલનારા પડોશી ગણાવ્યા હતા. મોદીની આ મુલાકાત તેમની સચ્ચાઈ સાબિત કરે છે.
ભૂતાનનાં વડા પ્રધાને મોદી લિખિત પુસ્તક ‘એક્ઝામ વોરિયર્સ’ને શ્રેષ્ઠ પુસ્તક ગણાવીને તેનાં ભરપેટ વખાણ કરતી એક પોસ્ટ સોશિયલ મીડિયામાં શેર કરી હતી. શેરિંગે મોદીને સરળ અને સહજ વ્યક્તિ ગણાવ્યા હતા. તેઓ ભારતને આગળ લઈ જવા માટે કડક પગલાં લેતા ખચકાતા નથી, એમ તેમણે કહ્યું હતું.
૧૦ ક્ષેત્રે દ્વિપક્ષીય કરાર
વડા પ્રધાન મોદીની મુલાકાત દરમિયાન બંને દેશો વચ્ચે ૧૦ મહત્ત્વના કરાર કરાયા હતા. જેમાં હાઇડ્રો પાવર સેકટર સહિત દ્વિપક્ષીય વેપાર અને સ્પેસ તેમજ શિક્ષણ ક્ષેત્રે સહકારના કરાર કરાયા હતા. બીજી વખત સત્તા હાંસલ કર્યા પછી મોદીની આ પહેલો ભૂતાન પ્રવાસ હતો. અગાઉ તેમનાં પહેલા શાસનકાળમાં પણ તેમણે ભૂતાનની મુલાકાત લીધી હતી. ભારતનાં ભૂતાન ખાતેના રાજદૂત રુથિરા કુમારના જણાવ્યા મુજબ બંને દશો દ્વારા ૧૦ સમજૂતી કરાર કરાયા હતા. મોદી દ્વારા પાંચ પ્રોજેક્ટનું લોકાર્પણ કરાયું હતું. તેમણે ભૂતાનની રોયલ યુનિવર્સિટીનાં વિદ્યાર્થીઓને પણ સંબોધ્યા હતા.
રૂ. ૫,૦૦૦ કરોડની સહાય
ભારત દ્વારા ભૂતાનને ૧૨મા પંચવર્ષીય પ્લાન માટે રૂ. ૫૦૦૦ કરોડની સહાય કરાશે. બંને દેશો વચ્ચે હાઇડ્રો પાવર સેક્ટર મહત્ત્વનું છે, જેના માટે રૂ. ૫૦૧૨ કરોડના પાવર પરચેઝ કરાર કરાયા છે. બંને વડા પ્રધાન દ્વારા મેન્ગાદેન્છુ પાવર પ્રોજ્ક્ટનું ઉદ્ઘાટન કરાયું હતું. ૨૫૦૦ મેગાવોટના સન્કોશ પ્રોજેક્ટની ચર્ચા પણ કરાઇ હતી. ભૂતાન ભારતીય ટ્રાન્સપોન્ડર્સનો ઉપયોગ કરી શકે તે માટે ભારતીય સ્પેસ એજન્સી દ્વારા રૂ. ૭ કરોડનાં ખર્ચે નિર્મિત ગ્રાઉન્ડ અર્થ સ્ટેશનનું ઉદ્ઘાટન પણ કરાયું હતું.
ભારતીય સમુદાયમાં ઉલ્લાસ
મોદીના ભૂતાન પ્રવાસથી ભારતીય સમુદાયમાં હર્ષ અને ઉલ્લાસનો માહોલ જોવા મળ્યો હતો. હજારો ભારતીયો હાથમાં ત્રિરંગા સાથે મોદીને આવકારવા રસ્તા પર ઊમટી પડ્યા હતા. ભારતીયોએ ભારત માતા કી જય, મોદી ઝિંદાબાદ તેમજ મોદી મોદીના નારા સાથે તેમને આવકાર્યા હતા.
ભારત અને ભૂતાન એકમેકની પરંપરા, સંસ્કૃતિને સમજે છે
વડા પ્રધાન મોદીએ ભૂતાનની રોયલ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને સંબોધતા કહ્યું હતું કે ભારત અને ભૂતાન એકબીજાની પરંપરા અને સંસ્કૃતિને સારી રીતે સમજે છે. ભારત ભાગ્યશાળી છે કે રાજકુમાર સિદ્ધાર્થ ભગવાન બુદ્ધ બન્યા તેની ભૂમિ છે. હું આજે ભૂતાનનાં ભવિષ્યની સાથે છું. આપની ઊર્જાનો અહેસાસ કરી શકું છું. બંને દેશ એકબીજાની પરંપરાની આપ-લે કરે છે. મને વિશ્વાસ છે કે એક દિવસ ભૂતાનનાં યુવાન વૈજ્ઞાનિકો ભારતમાં આવીને નાનો સેટેલાઇટ બનાવવા માટે કામ કરશે. મને આશા છે કે આપનામાંથી કેટલાક યુવાનો ક્યારેક મોટા વૈજ્ઞાનિક, એન્જિનિયર અને સંશોધક હશે. ઉપગ્રહો દ્વારા ટેલી મેડિસિન, માનચિત્રણ, મોસમની આગાહી, ડિસ્ટન્સ એજ્યુકેશન અને કુદરતી આપત્તિઓની ચેતવણીનાં લાભ મેળવી શકાશે.મોદીએ પોતાના ‘એક્ઝામ વોરિયર્સ’ પુસ્તકનો ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે તેમાં પરીક્ષાનો સામનો કેવી રીતે કરવો તેની સમજણ આપી છે. સૌએ જીવનમાં શિક્ષણનાં ક્લાસરૂમથી લઈને જીવનનાં ક્લાસ સુધી પરીક્ષાઓ આપતા રહેવી પડે છે. મેં મારા પુસ્તક ‘એક્ઝામ વોરિયર્સ’માં જે કંઈ લખ્યું છે તે ભગવાન બુદ્ધની પ્રેરણાથી અને તેમના સિદ્ધાંતો પર લખ્યું છે. હું જ્યારે યુવાન હતો ત્યારે સત્યની શોધ મને હિમાલય સુધી લઈ ગઈ હતી. ભૂતાન અને ભારતનાં સંબંધો ઐતિહાસિક છે.